Ahmedabad

અમદાવાદ: રદ કરાયેલી ₹500ની નોટોનો જથ્થો મળ્યો, રામોલ પોલીસે ₹39 લાખની જૂની નોટો સાથે 2ને દબોચ્યા

By GS Team
26 Jun 20262 mins read
TukuTouch Logo
રૂ.500ની જૂની ચલણી નોટોની ગેરકાયદે હેરફેર કે બદલી કરવાનું કૌભાંડ હજુ પણ સક્રિય હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રામોલ પોલીસે રબારી કોલોની ચાર રસ્તા પાસેથી બાતમીના આધારે બે શખસોને આંતરીને તેમની પાસેથી રૂ.39 લાખની 7,800 નોટો ઝડપી પાડી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય બે શખસોને વોન્ટેડ જાહેર કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રદ કરાયેલી ₹500ની નોટોનો જથ્થો મળ્યો, રામોલ પોલીસે ₹39 લાખની જૂની નોટો સાથે 2ને દબોચ્યા

Ahmedabad News: રૂ.500ની જૂની ચલણી નોટોની ગેરકાયદે હેરફેર કે બદલી કરવાનું કૌભાંડ હજુ પણ સક્રિય હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રામોલ પોલીસે રબારી કોલોની ચાર રસ્તા પાસેથી બાતમીના આધારે બે શખસોને આંતરીને તેમની પાસેથી રૂ.39 લાખની 7,800 નોટો ઝડપી પાડી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય બે શખસોને વોન્ટેડ જાહેર કર્યા છે.

બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપીને દબોચ્યા

રામોલ પોલીસની સર્વેલન્સ ટીમ 25 જૂનના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, બે શખસો પ્રતિબંધિત ચલણી નોટોનો મોટો જથ્થો લઈને પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે રબારી કોલોની ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં નીકળેલા બે શખસોને અટકાવ્યા હતા. તેમની તલાશી લેતા થેલીમાંથી 500ના દરની જૂની નોટોના બંડલો મળી આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓની ઓળખ

- ભરતસિંહ પ્રાગજીભાઈ મહીડા(ઉં.વ.40, મૂળ જામનગરના વતની અને હાલ અંબરનાથ ઈસ્ટ, મુંબઈ)

- મેરાજુદ્દીન જમીલ ખાન (ઉં.વ.56, રહે.સુરત)

જલગાંવથી ગાંધીનગર સુધી લિંક લંબાઈ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે, રદ થયેલી આ નોટો તેઓ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતા અયાનુદ્દીન ગયાસુદ્દીન પતવે નામના શખસ પાસેથી લાવ્યા હતા. આ જથ્થો તેઓ ગાંધીનગરના શૈલેષ પટેલ નામના વ્યક્તિને ગેરકાયદે રીતે બદલી કરવા માટે આપવાના હતા.

મોબાઈલ અને નોટો સહિતનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.39 લાખની કિંમતની 7,800 નંગ નોટો ઉપરાંત રૂ. 2000ની કિંમતના બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. રામોલ પોલીસે સ્પેસિફાઈડ બેંક નોટ્સ (સેસેશન ઓફ લાયબિલિટીઝ) એક્ટ, 2017 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાયદા હેઠળ નોટબંધી પછી જૂની નોટો રાખવી, તેની હેરફેર કરવી કે બદલવી એ સજાપાત્ર ગુનો બને છે.

પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે જલગાંવના અયાનુદ્દીન અને ગાંધીનગરના શૈલેષ પટેલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ નોટો કયા હેતુથી બદલવામાં આવી રહી હતી અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની પણ ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે.