Amreli News: અમરેલીની વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામક ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થિનીઓની છેડતીના ગંભીર આક્ષેપોને પગલે આજે (16મી જાન્યુઆરી) મામલો વધુ ગરમાયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિદ્યાસભા કોલેજ કેમ્પસનો ઘેરાવ કરી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા અને આબુ પ્રવાસ દરમિયાન બનેલી ઘટનાના સીસીટીવી (CCTV) પુરાવા પણ રજૂ કર્યાં છે.

શું છે સમગ્ર વિવાદ?
મળતી માહિતી મુજબ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વિદ્યાસભા કોલેજની વિદ્યાર્થિનીઓ જ્યારે આબુના પ્રવાસે ગઈ હતી, ત્યારે ગિરીશ ભીમાણીએ ત્યાં પહોંચીને વિદ્યાર્થિનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા હતા. આ ઘટના બાદ 13મી જાન્યુઆરીના રોજ સંકુલ દ્વારા ગિરીશ ભીમાણીને તેમના તમામ પદો પરથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે 14મી જાન્યુઆરીએ રાજકોટમાં NSUIના કાર્યકર્તાઓએ ગિરીશ ભીમાણીનું શાહીથી મોં કાળું કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

ABVPનો આક્ષેપ અને પોલીસની ભૂમિકા
આજે અમરેલીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ABVPએ અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા. 13મી જાન્યુઆરીના રોજ આબુ ખાતે થયેલી છેડતીનો વીડિયો પુરાવો ABVPએ જાહેર કર્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ABVPનો દાવો છે કે અમરેલી પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કરી આબુ ખાતે ફરિયાદ કરવા જણાવ્યું હતું, જ્યારે ત્યાં પણ ફરિયાદ લેવાની ના પાડવામાં આવી હોવાનું સંગઠને જણાવ્યું છે.
આંદોલન ચાલુ રાખવાની ABVPએ ચીમકી ઉચ્ચારી
વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓએ 'ગિરીશ ભીમાણી હાય હાય' ના નારા લગાવ્યા હતા અને કેમ્પસમાં રામધૂન ગાઈને નૈતિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સંગઠને માંગ કરી છે કે ગિરીશ ભીમાણી ઉપરાંત ફરિયાદ ન નોંધનાર પોલીસકર્મીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. જ્યાં સુધી આરોપી સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ABVP એ ચીમકી આપી છે, જેના કારણે વિદ્યાસભા કેમ્પસમાં હાલ ભારે તણાવની સ્થિતિ છે.
આ મામલે અમરેલી પોલીસનું કહેવું છે કે,'ABVP દ્વારા મૌખિક રજૂઆતો મળી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પીડિત વિદ્યાર્થિની પોલીસ સ્ટેશન આવી નથી. જો કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવા આવશે, તો પોલીસ ચોક્કસપણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.'


