ABVPના કાર્યકરે કોલેજના એસ્ટેટ મેનેજર વિરૂદ્ધ જાતિવિષયક શબ્દો બોલીને માર માર્યાની ફરિયાદ નોંધાવી
- સિલ્વર ઓક કોલેજના એસ્ટેટ મેનેજરે શુકવારે 3 વિદ્યાર્થીઓ સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી
અમદાવાદ, તા. 25 એપ્રિલ 2022, સોમવાર
ABVPના કાર્યકરે સિલ્વર ઓક કોલેજના એસ્ટેટ મેનેજર સામે જાતિવિષયક શબ્દો બોલી માર માર્યાની ફરિયાદ રવિવારે રાત્રે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સિલ્વર ઓક કોલેજના એસ્ટેટ મેનેજરે શુકવારે 3 વિદ્યાર્થીઓ સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી ત્યાર બાદ આ બીજી ફરિયાદ છે. આમ, કોલેજમાં બન્ને પક્ષે વિવાદ સતત વધી રહ્યો છે.
સિલ્વર ઓકમાં BBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર તરીકે સક્રિય એવા વિશાલ ધનજીભાઈ પરમારે કોલેજના એસ્ટેટ મેનેજર વિવેકભાઈ લક્ષ્મણભાઈ ગોસાઈ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ગત ગુરૂવારે સાંજે વિવકેભાઈ કોલેજના ફૂડકોર્ટમાં વિશાલ પાસે જઈને ABVPના કાર્યકરો વિશે ખરાબ શબ્દો બોલી રહ્યા હતા. ફરિયાદી પોતે ABVPમાં સક્રિય હોઈ તેમ ન બોલવા જણાવ્યું હતું. આથી, વિવકભાઈએ વિશાલને જાતિવિષયક શબ્દો બોલીને તારે વચ્ચે પડવું નહીં તેમ કહી ધક્કો માર્યો હતો.
તે સમયે ત્યાં હાજર મહિલા કાર્યકર વચ્ચે પડતા વિવેકભાઈ તેને અપશબ્દો બોલ્યા હતા. બીજા દિવસે મહિલા કાર્યકર કેન્ટીનમાં નાસ્તો કરતા હતા તે સમયે ત્યાં પહોંચેલા વિવેકભાઈએ તું કાલે કેમ વચ્ચે પડી હતી, હવે તારાથી કંઈ નહીં થાય તેમ કહીને ફરી વિશાલ વિશે જાતિવિષયક ભાષા વાપરી હતી. દરમિયાન વિશાલ, પ્રજ્વલ તિવારી, જય પટેલ, નિહાર દેસાઈ, મિત પટેલ અને સૂર્યરાજસિંહ ચૌહાણે ત્યાં જઈને વિવેકભાઈ આવું કેમ બોલો છો તેવો સવાલ કર્યો હતો. ત્યારે વિવેક ગોસાઈએ વિશાલને જણાવ્યું કે, કાલનો માર તને યાદ નથી. વિશાલે એવું ન બોલવા જણાવતા ઉશ્કેરાયેલા વિવેક ગોસાઈએ વિધાર્થીઓ સાથે મારામારી કરી હતી.
કોલેજના એસ્ટેટ મેનેજર અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદમાં સાચું કોણ તે પોલીસ માટે તપાસનો વિષય છે પણ હાલ બન્ને પક્ષે એકબીજા સામે ફરિયાદ કરી આક્ષેપોની ઝડી વરસાવી છે. વિવેક ગોસાઈએ બે દિવસ અગાઉ 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરી તેની સામે વિશાલે ગોસાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો છે.