આઈ ફોલો અંતર્ગત ગેરહાજર રહેલાને પણ માર્ક્સ મળ્યા
ઓનલાઈન પરીક્ષાનો સમય બદલાતા ઘણા અરજદારો એ પરીક્ષા આપી નહોતી છતાં રિઝલ્ટ અપાતા આશ્ચર્ય
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરુવાર
સુરત શહેર પોલીસે શરૂ કરેલા આઈ ફોલો અભિયાન અંતર્ગત લેવાયેલી ઓનલાઈન પરીક્ષામાં ગેરહાજર રહેનાર લોકોને પણ રિઝલ્ટ આવી જતા ઉમેદવારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે ઉદ્દેશથી સુરત શહેર પોલીસ આઈફોલો અભિયાન અંતર્ગત અલગ-અલગ કાર્યક્રમો યોજી રહી છે. જે અંતર્ગત ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના લોકો ઉપરાંત પોલીસ વિભાગ અને ટીઆરબી જવાનોને ભાગ લેવા અપીલ કરાઈ હતી . 26 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યે આ પરીક્ષા યોજાનાર હતી. જોકે સર્વર ડાઉન થતા પરીક્ષાનો સમય બપોરે 1 વાગ્યાનો કરાયો હતો.
પરીક્ષા માટે નોંધણી કરનાર ઘણા લોકોએ આ પરીક્ષા આપી ન હતી. જો કે રીઝલ્ટનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે મેસેજ આવતા તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા. પરીક્ષા આપી ન હોવા છતાં રિઝલ્ટના મેસેજમાં તેમના માર્ક્સ લખવામાં આવ્યા હતા અને તેમને પાસ કે નાપાસની રિમાર્ક મુકાઈ હતી.
એક અરજદાર સંકેત પટેલે કહ્યું કે, પરીક્ષાનો સમય બદલાતા હું ઓનલાઈન પરીક્ષા આપી શક્યો ન હતો.
પણ રિઝલ્ટનો મેસેજ આવતા નવાઈ લાગી હતી.
પરીક્ષા આપી જ ન હતી છતાં મને 60 માંથી 22 માર્ક્સ આપવામાં આવ્યા છે.