Singer Aarti Sangani: સુરતની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને સર્જાયેલો વિવાદ હવે તેના વ્યવસાયિક કાર્યક્રમો સુધી પહોંચ્યો છે. શહેરના કતારગામ સ્થિત મોટી વેડ વિસ્તારમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં પાટીદાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધની શક્યતાને પગલે આરતી સાંગાણીનો કાર્યક્રમ આયોજકો દ્વારા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, સુરતના મોટી વેડ વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મ ખાતે પાટીદાર અગ્રણી સુરાણી પરિવારના આંગણે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જાણીતી સિંગર આરતી સાંગાણીને આમંત્રિત કરવામાં આવી હતી. જોકે, આરતી સાંગાણીના લવમેરેજને લઈને છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજમાં, ખાસ કરીને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે.
યુવાનો એકઠા થયા અને કાર્યક્રમ રદ થયો
આ વિવાદની અસર ગ્રાઉન્ડ ઝીરો પર પણ જોવા મળી હતી. આરતી સાંગાણી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સિલ્વર ફાર્મની બહાર એકઠા થઈ ગયા હતા. સમગ્ર મામલો બીચકે અને સમાજની લાગણી દુભાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા જોઈ યજમાન સુરાણી પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો હતો. વિરોધ વધુ ઉગ્ર બને તે પહેલાં જ પરિવારે આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરી દીધો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સમાજના હિત માટે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને હંમેશા સમાજની સાથે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં દારૂની પરમિટના ભાવ વધ્યા છતાં અરજીમાં ધરખમ વધારો! સૌથી વધુ અમદાવાદમાં
સમાજની લાગણીને માન આપ્યું: આયોજક
કાર્યક્રમના આયોજક ધર્મેશભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, "અમારો 29 તારીખનો ડાયરાનો પ્રોગ્રામ હતો જેમાં આરતીબેન અને હિતેશ અંટાળા હતા. પરંતુ લોકલાગણીને માન આપીને અમે આરતીબેનનો પ્રોગ્રામ રદ કર્યો છે. અમારો આ પર્સનલ પ્રસંગ છે, પણ અમે સમાજની સાથે રહેવા માંગીએ છીએ." આરતી સાંગાણીના સ્થાને જાણીતી સિંગર ગોપી પટેલને કાર્યક્રમ માટે નક્કી કરવામાં આવી હતી.
'બીજી દીકરીઓની આ હાલત ન થાય તે માટે વિરોધ': પાટીદાર યુવા અગ્રણી
આ મામલે પાટીદાર યુવાન મહેશ વાઘાણીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "સમાજની એક દીકરીએ જે રીતે લવમેરેજ કર્યા છે તે કૃત્ય નિંદનીય છે. કદાચ કોઈ ટપોરી છોકરાએ ફોસલાવીને કે મોહિનીકરણ કરીને આ કર્યું હોય. અમારું સ્પષ્ટ માનવું છે કે સમાજની બીજી કોઈ દીકરીઓની આ હાલત ન થાય તે માટે આ વિરોધ જરૂરી છે. સુરાણી પરિવારે ગણતરીના કલાકોમાં જ પ્રોગ્રામ કેન્સલ કરીને પાટીદાર સમાજને સાથ આપ્યો છે, જે બદલ તેમને અભિનંદન છે. આવા પરિવારો છે ત્યાં સુધી અમને ગર્વ છે કે અમે પાટીદાર છીએ."


