મહીસાગર BOB લોન કૌભાંડ: બેંક મેનજર ભૂપેશ પુરોહિતની ધરપકડ, પોલીસ સ્ટેશનમાં બતાવ્યો રૂઆબ
Mahisagar News: મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલી બેન્ક ઓફ બરોડા (BOB) માં થયેલા કરોડોના લોન કૌભાંડમાં આખરે તત્કાલીન બેન્ક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ખોટા દસ્તાવેજોના આધારે રૂ. 3.55 કરોડનું કૌભાંડ આચરવાના મામલે પોલીસ દ્વારા તત્કાલીન મેનેજર ભૂપેશ પુરોહિતની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જોકે, આ સમગ્ર ઘટનામાં એક આશ્ચર્યજનક દ્રશ્ય પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યું હતું. લોકોના પરસેવાની કમાણી ચાઉં કરી જનાર કૌભાંડી મેનેજર ભૂપેશ પુરોહિતમાં ધરપકડનો જરાય ડર જોવા મળ્યો નહોતો. પોલીસના સકંજામાં આવ્યા બાદ પણ આરોપી મેનેજરનો 'સ્વેગ' અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો.
કૌભાંડી મેનેજરે પોલીસ સ્ટેશનમાં જાણે પોતે કોઈ સેલિબ્રિટી હોય તેવો રૂઆબ બતાવ્યો હતો. આરોપી ભૂપેશ પુરોહિત પોલીસ સ્ટેશનમાં 'સ્વેગ' કરતો જોવા મળ્યો હતો, જે જોઈને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. કરોડોનું કૌભાંડ કર્યા બાદ પણ મેનેજરને પોલીસનો ડર ન લાગતો હોય તેવી તેની વર્તણૂક જોવા મળી હતી. હાલ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.