ભાવનગરમાં આપના વોર્ડ પ્રમુખ પર બે શખસોનો હુમલો, બેનર ફાડવા બાબતે થઈ બોલાચાલી

Bhavnagar News: ભાવનગરમાં આમ આદમી પાર્ટી (AAP)ના કરચલીયાપરા વોર્ડના પ્રમુખ રમેશભાઈ પર બે શખસો હુમલો કર્યો હતો. શહેરના સાઈઠ ફળી ચોક ખાતે AAPની મિટિંગના બેનર ફાડવા બાબતે બોલાચાલી થયા બાદ શખસોએ પ્રમુખને ઢીકાપાટુ અને લાકડાના ધોકાથી માર માર્યો હતો. આ અંગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બેનર ફાડવાની ના પાડતા હુમલો
મળતી માહિતી અનુસાર, રમેશભાઈ જે છેલ્લા છ મહિનાથી આમ આદમી પાર્ટીના કરચલીયાપરા વોર્ડના પ્રમુખ તરીકે કાર્યરત છે, તેમણે ફરિયાદ નોંધાવી છે કે, 12મી ઓક્ટોબર 2025ના રોજ કરચલીયાપરા વોર્ડની આપની મિટિંગ સાઈઠ ફળી ચોકમાં સાંજે સાત વાગ્યે યોજાવાની હતી. આ મિટિંગ માટેના બેનરો આશરે બપોરે ચોકમાં લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન શેરીમાં રહેતા ચેતન ગોહેલ અને સાગર ઉર્ફે બાઠુ ગોહેલ સાઈઠ ફળી ચોકમાં આવ્યા હતા. ત્યારે રમેશભાઈ નજીકની એક દુકાને ઊભા હતા અને ચેતને મિટિંગનું બેનર ફાડવાનું શરૂ કર્યું હતું. રમેશભાઈએ બંનેને રોકવાનો પ્રયાસ કરતાં આ બંનેએ તેને ગાળો આપી પેટમાં તથા માથામાં ઢીકાપાટુ વડે માર માર્યો હતો. ત્યારબાદ બંને ત્યાંથી ભાગી ગયા હતા.
રમેશભાઈ ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સર.ટી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આપના પ્રમુખે આ બંને શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગંગાજળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.