ચૈતર વસાવાને ઝટકો: 'લાફા કાંડ'માં AAPના ધારાસભ્યની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો
Chaitar Vasava's News : નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 'લાફા કાંડ' સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડશે. નીચલી કોર્ટ બાદ સેસન્સ કોર્ટે પણ તેમની જામીન અરજી નામંજૂર કરતા, તેમને હજુ જેલવાસ ભોગવવો પડશે. જામીન અરજી માટે હવે તેમને ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે.
જામીન નામંજૂર થવા પાછળના કારણો
ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે અને હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદ છે. સરકારી પક્ષે ચૈતર વસાવાના જામીન નામંજૂર કરવા માટે તેમના અગાઉના કેસોની રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023ના ફોરેસ્ટ વિભાગના એક કેસમાં તેમને શરતી જામીન મળ્યા છે અને તે કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. અગાઉના કેસની ગંભીરતા અને વર્તમાન 'લાફા કાંડ'ની ઘટનાને ધ્યાનમાં રાખીને, કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો છે.
આ ઘટનાથી નર્મદા જિલ્લા સહિત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ AAPના ધારાસભ્યને જામીન ન મળતા પક્ષમાં ચિંતાનો માહોલ છે, તો બીજી તરફ ભાજપ આ મામલે કાયદેસરની કાર્યવાહી પર ભાર મૂકી રહ્યું છે. હવે ચૈતર વસાવા માટે હાઈકોર્ટ એકમાત્ર આશાનું કિરણ છે.
આ પણ વાંચો: 'આવી કેવી લોકશાહી?' રાજપીપળામાં પોલીસ-AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, કોર્ટમાં જતા રોકવાનો આક્ષેપ
શું છે આખો મામલો?
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત શનિવારે (5 જુલાઈ) ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.