Gujarat Fake IB Officer Case: ગુજરાત આમ આદમી પાર્ટી(AAP)માં આંતરિક વિવાદનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો(IB)ના નકલી અધિકારી બનીને પોતાના જ પક્ષના કાર્યકરોને ધમકાવવા મામલે આણંદ સાયબર ક્રાઇમ પોલીસે સફળતા મેળવી છે. આ સમગ્ર મામલે પોલીસે વડોદરા ‘આપ’ના પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન પટેલ નામના શખસની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ગંભીર આક્ષેપ કરતી પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક ચોક્કસ મોબાઇલ નંબર પરથી ‘આપ’ના કાર્યકરોને આઇબી(IB)ના નામે ધમકાવવામાં આવી રહ્યા છે અને પક્ષ બદલવા કે કામ બંધ કરવા દબાણ કરાઈ રહ્યું છે. આ દરમિયાન આણંદના ‘આપ’ કાર્યકર કેશવ ચૌહાણને પણ એ જ નંબર પરથી ધમકીભર્યો કોલ આવ્યો હોવાથી, તેમણે તાત્કાલિક આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાજપને ઘેરવા જતાં ખુદ વડોદરા ‘આપ’ પ્રમુખ જ ફસાયા
સાયબર પોલીસે જ્યારે અરવિંદ કેજરીવાલે જાહેર કરેલા મોબાઇલ નંબરની ટેકનિકલ તપાસ હાથ ધરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ નંબર આણંદના નીતિન પટેલના નામે એક્ટિવ હોવાનું જાણમાં આવ્યું. પોલીસે તાત્કાલિક નીતિનની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરતાં આખો મામલો પક્ષના આંતરિક વિવાદનો નીકળ્યો હતો. નીતિન પટેલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાએ તેના આ નંબરનો ઉપયોગ કર્યો હતો અને તેણે જ નકલી આઇબી અધિકારી બનીને ફોન કર્યા હતા.
પક્ષમાં વર્ચસ્વ જાળવવા ઘડાયો હતો પ્લાન
પોલીસે આ કબૂલાતના આધારે વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાની પણ અટકાયત કરી હતી. અશોક ઓઝાની આકરી પૂછપરછમાં સામે આવ્યું કે, ફરિયાદ કરનાર કેશવ ચૌહાણ તેમનો રાજકીય હરીફ હોવાથી પક્ષમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને તેને ડરાવીને બેકફૂટ પર ધકેલવા માટે જ તેણે આ નકલી આઇબી અધિકારી બનવાનો આખો પ્લાન ઘડ્યો હતો.
જે મામલાને લઈને આમ આદમી પાર્ટી ભાજપ કે વિરોધીઓ પર નિશાન સાધવા જતી હતી, તેમાં ખુદ તેમના જ વડોદરાના પ્રમુખ પોતાના કાવતરામાં ફસાઈ ગયા છે. હાલ આણંદ સાયબર ક્રાઇમ પોલીસ આ નેટવર્ક અને કાવતરામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.


