ચૈતર વસાવા પર કાર્યવાહી બાબતે AAP-કોંગ્રેસે સાથે મળીને મુખ્યમંત્રીને કરી રજૂઆત
Gandhinagar News : આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તથા કોંગ્રેસના ધારાસભ્યો સાથે મળીને આજે (10 સપ્ટેમ્બરે) વિધાનસભા સત્રના છેલ્લા દિવસે વિશ્રામ સમયમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, 'ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારના લોકો અને યુવાનોના પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવે છે. જેમાં ધારાસભ્યના વધતા પ્રભુત્વને રોકવા માટે સરકાર દ્વારા તેમના પર ખોટા કેસો કરવામાં આવ્યા છે, જેને અમે વિરોધ કરી રહ્યા છીએ.'
AAPના ધારાસભ્યએ જણાવ્યું કે, 'વિસાવદરમાં પોલીસે ધારાસભ્યના વિશેષાધિકાર વિરુદ્ધનું વર્તન કર્યું. તેમજ પાટણમાં પણ ધારાસભ્ય સામે ચીફ ઓફિસરે ગેરબંધારણીય વર્તન કર્યું. આ તાનાશાહીભર્યા વર્તનની અમે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. કાશ્મીરમાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે તેઓ લોકો માટે અવાજ ઉઠાવતા હતા. ભાજપના નેતાઓ સત્તાના બળેથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે, પરંતુ એ થશે નહીં.'