'અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી..' થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tharad News : થરાદ બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મની ચકાસણી દરમિયાન ભારે હોબાળો મચી ગયો છે. જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને અપક્ષ ઉમેદવારના પ્રતિનિધિઓએ વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે.
અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી: AAP જિલ્લા પ્રમુખ
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે રોષે ભરાતા જણાવ્યું હતું કે, અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, 'ઉમેદવારના પ્રતિનિધિઓને અંદર જવા દેવામાં આવતા નથી અને માત્ર ઔપચારિકતા કરવામાં આવી રહી છે. રૂ.50 અને રૂ.300ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા સહકાર આપવામાં આવતો નથી.'
પોલીસ ધમકાવતી હોવાનો અપક્ષ નેતાનો આક્ષેપ
પોલીસ ધમકાવી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રતિનિધિ અને અપક્ષ ઉમેદવાર સેધાભાઈ અભ્ભાભાઈ ઠાકોરના સમર્થકોએ જણાવ્યું હતું કે, 'થરાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉમેદવારને ફોર્મ ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓ ઉમેદવારને પૂછી રહ્યા છે કે તું ચૂંટણી કેમ લડે છે. આમ સીધી રીતે કાયદા અને લોકશાહીનું હનન થઈ રહ્યું છે.'
વહીવટી તંત્રની કામગીરી પર અનેક સવાલો
મુલાકાતીઓએ આક્ષેપ કર્યો હતો કે, વહીવટી તંત્ર ભાજપના ઉમેદવારો તરફી કામ કરી રહ્યું છે. કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારોના ફોર્મની ચકાસણી વખતે બિનજરૂરી વિલંબ અને હેરાનગતિ કરવામાં આવે છે, જ્યારે ભાજપના ઉમેદવારોના કામ સરળતાથી પતાવવામાં આવે છે.
કાયદાકીય લડતની ચીમકી
27 વર્ષનો વકીલાતનો અનુભવ ધરાવતા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, જો પોલીસ અને વહીવટી તંત્ર પોતાની કાર્યપદ્ધતિ નહીં સુધારે તો તેઓ હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરશે અને બાર કાઉન્સિલમાં પણ આ બાબતે રજૂઆત કરશે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન થરાદમાં વિપક્ષ-અપક્ષના ઉમેદવારોને અટકાવવામાં અને પોલીસ દ્વારા કથિત રીતે ધમકાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે,ત્યારે સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષી નેતાઓએ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આ બાબતે તટસ્થ તપાસ કરવાની માગ કરી છે.









