Cyber Fraud: સાયબર ગઠિયાઓએ હવે લોકોના બૅન્ક ખાતામાં સેંધ મારવા માટે બાયોમેટ્રિક ડેટા અને આધાર કાર્ડને હથિયાર બનાવ્યું છે. કચ્છથી લઈને ખેડા સુધી બાયોમેટ્રિક ડેટા ક્લોન કરીને પૈસા સેરવી લેવાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ઠગો પીડિતનું સિમ કાર્ડ ડિસેબલ કરાવી દે છે, જેથી ટ્રાન્ઝેક્શનના ઓટીપી કે ઍલર્ટ પણ મળતા નથી.
કેવી રીતે થાય છે આ સાયબર ખેલ?
સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઠગો અત્યંત આયોજનબદ્ધ રીતે આ પદ્ધતિ અપનાવે છે. સૌ પ્રથમ સરકારી ડેટા અથવા અન્ય સ્રોતમાંથી આધાર કાર્ડની વિગતો મેળવવામાં આવે છે. આધાર સાથે લિંક કરેલી ફિંગરપ્રિન્ટને સિલિકોન અથવા અન્ય ટેકનિકથી ક્લોન કરવામાં આવે છે. ગ્રાહકને ખબર પડે તે પહેલાં તેનો મોબાઇલ નંબર ડિસેબલ કે બ્લોક કરાવી દેવાય છે. સિમ બંધ હોવાથી બૅન્કના મેસેજ આવતા નથી અને ઠગો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લે છે.
ગુજરાતમાં નોંધાયેલા તાજેતરના કિસ્સા
નડિયાદમાં એક હોટલ મેનેજરનું આધાર અને સિમ કાર્ડ બંધ થઈ જતાં તેમના બે ખાતામાંથી 3.8 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. કચ્છના માંડવીમાં મહિલા તબીબના ખાતામાંથી 10 હજાર, અન્ય એક ખાતેદારના 8 લાખ અને લાયજા, વિથોણ જેવા ગામોમાં અનેક લોકો આનો ભોગ બન્યા છે. સુરતમાં 1.27 કરોડ રેશનકાર્ડ ધારકોનો ડેટા લીક થવાની અને વડોદરામાં વિઝા માટે નકલી બાયોમેટ્રિક ડેટા બનાવવાનું કૌભાંડ પણ ઝડપાયું હતું.
દેશવ્યાપી નેટવર્ક અને રેશનકાર્ડ કૌભાંડ
ઉત્તર પ્રદેશની એક ટોળકીએ ગુજરાત સહિત 12 રાજ્યોમાં 1500 જેટલા આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં ચેડાં કરી સરકારી અનાજ અને નાણાંની ઉચાપત કરવાનું દેશવ્યાપી નેટવર્ક ચલાવ્યું હતું. આ ઠગો નકલી આધાર કાર્ડના આધારે નવા સિમ કાર્ડ મેળવી બૅન્ક ખાતા પણ ખોલાવતા હતા.
'Aadhaar Lock' ફીચરનો ઉપયોગ કરો સાયબર ક્રાઇમ અધિકારીઓ નાગરિકોને અપીલ કરે છે કે, તમારા આધાર કાર્ડનો બાયોમેટ્રિક ડેટા m-Aadhaar એપ અથવા UIDAIની વેબસાઇટ પર જઈને 'Lock' કરી દો. જ્યારે જરૂર હોય ત્યારે જ તેને અનલોક કરો. અજાણી વ્યક્તિને આધાર કાર્ડ કે તેની નકલ આપતા પહેલા સાવચેતી રાખો.
સરકાર પાસે માંગણી
કચ્છના માંડવી ચેમ્બર ઑફ કોમર્સે વડાપ્રધાન અને રિઝર્વ બૅન્કને રજૂઆત કરી છે કે, ગ્રાહકની પૂર્વ મંજૂરી વગર માત્ર બાયોમેટ્રિક પદ્ધતિથી પૈસા ઉપાડવાની વ્યવસ્થા બંધ કરવામાં આવે અથવા તેને વધુ સુરક્ષિત બનાવવામાં આવે.


