Get The App

દેવાના ડુંગર નીચે દબાયા આ રાજ્યો: તમિલનાડુ-મહારાષ્ટ્ર ઉધારીમાં મોખરે, જાણો ગુજરાતની સ્થિતિ?

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
દેવાના ડુંગર નીચે દબાયા આ રાજ્યો: તમિલનાડુ-મહારાષ્ટ્ર ઉધારીમાં મોખરે, જાણો ગુજરાતની સ્થિતિ? 1 - image


India State Debt Analysis 2025-26: ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની નાણાકીય જરૂરિયાતો સતત વધી રહી છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે રાજ્ય સરકારો હવે કેન્દ્રીય સંસ્થાઓને બદલે બજારમાંથી દેવું (Market Borrowing) લેવા પર વધુ નિર્ભર બની રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યોની કુલ રાજકોષીય ખાધનો લગભગ 76 ટકા હિસ્સો હવે બજારની ઉધારી દ્વારા પૂરો કરવામાં આવશે.

ઉધારીમાં કયા રાજ્યો છે ટોપ પર? 

RBIના રિપોર્ટ અનુસાર, હાલમાં તમિલનાડુ (1.23 લાખ કરોડ) અને મહારાષ્ટ્ર (1.23 લાખ કરોડ) દેશમાં સૌથી વધુ દેવું લેનારા રાજ્યો છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ અને ઝારખંડ જેવા રાજ્યોની ઉધારીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2024-25 માં રાજ્યોની કુલ બજાર ઉધારી વધીને 10.73 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે અગાઉના વર્ષે 10.07 લાખ કરોડ હતી. જ્યારે ગુજરાત 4.67 લાખ કરોડનું દેવું ધરાવે છે. ગુજરાતનો ડેબ્ટ ટુ જીએસડીપી પ્રમાણ પણ સારો છે જે 20%ની આજુબાજુ યથાવત્ છે.  

ઉત્તર પ્રદેશ અને બિહારની સ્થિતિમાં સુધારો 

જ્યાં એકતરફ મોટા રાજ્યો દેવું વધારી રહ્યા છે, ત્યાં ઉત્તર પ્રદેશે પોતાની ઉધારીમાં મોટો ઘટાડો કરીને સૌને ચોંકાવ્યા છે. UP એ વર્ષ 2023-24 માં 49,618 કરોડનું દેવું લીધું હતું, જે ગત નાણાકીય વર્ષમાં ઘટીને માત્ર 4,500 કરોડ રહી ગયું છે. બિહાર, છત્તીસગઢ, ગોવા અને પંજાબ જેવા રાજ્યોએ પણ બજારમાંથી ઓછી ઉધારી લીધી છે.

બોન્ડ દ્વારા લાંબા ગાળાની લોન 

રાજ્ય સરકારો હવે ટૂંકા ગાળાને બદલે લાંબા ગાળાના બોન્ડ (35 વર્ષ સુધીના) જારી કરીને નાણાં એકત્ર કરી રહી છે. ખાસ કરીને કેરળ, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યો 20 વર્ષથી વધુ સમયના બોન્ડ જારી કરી રહ્યા છે. રાહતની વાત એ છે કે બોન્ડ પરનો સરેરાશ વ્યાજ દર જે ગયા વર્ષે 7.5 ટકા હતો તે ઘટીને 7.2 ટકા થયો છે.

ચિંતાનો વિષય: દેવું અને GDP 

માર્ચ 2021માં રાજ્યોનું કુલ દેવું GDP ના 31 ટકાના સર્વોચ્ચ સ્તરે હતું. માર્ચ 2024 માં તે ઘટીને 28.1 ટકા થયું હતું, પરંતુ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં (માર્ચ 2026) તે ફરી વધીને 29.2 ટકા થવાનો અંદાજ છે. ઘણા રાજ્યોનું દેવું તેમની અર્થવ્યવસ્થાના 30 ટકાથી વધુ હોવાથી તે આર્થિક સ્થિરતા માટે ચિંતાનો વિષય બની શકે છે.