Get The App

સિનિયર સિટીઝન સાથે છ લાખની ઓનલાઈન ઠગાઈ કરનાર સુરતનો યુવક ઝડપાયો

Updated: Sep 23rd, 2022

GS TEAM

Google News
Google News
સિનિયર સિટીઝન સાથે છ લાખની ઓનલાઈન ઠગાઈ કરનાર સુરતનો યુવક ઝડપાયો 1 - image

અમદાવાદ,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

સિનિયર સિટીઝન સાથે છ લાખની ઓનલાઈન ઠગાઈ આચરનાર સુરતના યુવકને સાયબર સેલે બુધવારે સાંજે ઝડપી લીધો હતો. લાઈટનું બાકી બિલ રૂ.૧૦નું ભરી દો નહી તો કનેકશન કપાઈ જશે તેમ કહી વૃદ્ધને ડરાવીને આરોપીએ ક્વીક સપોર્ટ એપ ડાઉનલોડ કરાવી હતી. બાદમાં ફરિયાદીના ફોનના એકસેસ મેળવી ઠગાઈ આચરી હતી. પોલીસ સમક્ષ આરોપીએ ઘટસ્ફોટ કર્યો છે કે, તે ઝારખંડથી ઓનલાઈન ફ્રોડની ટ્રેનિંગ લઈને આવેલા શખ્સને ત્યાં રૂ.૪૫ હજારના પગાર પર નોકરી કરે છે.

ઝારખંડથી ઓનલાઈન ફ્રોડની ટ્રેનિંગ લઈને આવેલા શખ્સના ત્યાં આરોપી નોકરી કરે છે

 વિશ્રામનગરમાં ન્યુ નિકીતા પાર્કમાં રહેતાં અશોક માણેકલાલ શાહ (ઉં,૬૬)ની સાથે થયેલી ઓનલાઈન ઠગાઈની ફરિયાદને પગલે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ફ્રોડની રકમમાંથી આરોપીએ ડીજીટલ ગોલ્ડની સાઈટ પરથી વાઉચર લીધું હતું. તે વાઉચરનો ઉપયોગ સુરતના કલ્યાણ જવેલર્સમાંથી સોનું ખરીદવા માટે થયો હતો. બીજી તરફ ઠગાઈના ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન નંબરનું લોકેશન તપાસતા તે પણ સુરતનું હોવાનું જાણવા મળ્યું હતું. જે આધારે  સાયબર સેલની ટીમે આરોપી જીગ્નેશ માવજીભાઈ નાવડીયા (ઉં ૩૭) રહે, પ્રગતીપાર્ક સોસાયટી, ડભોલી ચાર રસ્તા રોડ, સુરતની ધરપકડ કરી હતી. 

પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી જીગ્નેશની આર્થિક પરીસ્થિતી સારી ન હોવાથી પૈસાની જરૂરીયાત હતી. દરમિયાન તેના જ વિસ્તારમાં રહેતાં સાવન ગઢીયા પંકજભાઈ ગઢીયા સાથે મુલાકાત થઈ હતી. સાવન ઝારખંડથી આ ગુનાની ટ્રેનિંગ લઈને આવ્યાનું તેમજ આ પ્રકારના ગુના આચરે છે. જીગ્નેશને સાવને રૂ.૪૫ હજારના પગાર પર નોકરીએ રાખ્યો હતો. આ પેટે ઓનલાઈન ફ્રોડ આચર્યા બાદ સાવન જે સ્થળે મોકલે ત્યાંથી ગોલ્ડ કે પૈસા જીગ્નેશ લઈ આવતો હતો. સાયબર સેલે જીગ્નેશની કબૂલાત આધારે આરોપીની સાવનની શોધખોળ હાથ ધરી છે. 

Tags :