સુરતમાં મજાકમસ્તી દરમિયાન યુવકનો પગ લપસ્યો, હાથમાં રહેલી કાતર છાતીમાં ઘૂસી જતાં ગંભીર ઇજા
Meta AI Image |
Surat News : સુરતના પાંડેસરા વિસ્તારોમાં સિલાઈનું કામ કરતાં મૂળ ઉત્તરપ્રદેશના અખિલ સલીમ ખાન (ઉં.વ.27) તેના કારીગર મિત્રો સાથે મજાકમસ્તી કરતાં સમયે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મજાકમસ્તીમાં અખિલનો પગ લપસી જતાં નીચે પડી ગયો હતો. તેવામાં કાપડનું કટિંગ કરવા માટે હાથમાં રહેલી કાતર અખિલના છાતીના ભાગમાં ઘૂસી ગઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત યુવકને છાતીના ભાગે કાતર ઘૂસેલી હાલતમાં તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં યુવકને અન્ય કોઈ ઈજા ન પહોંચે તે રીતે કાતર બહાર કાઢીને સારવાર કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશનો અખિલ સુરતના ચીકુવાડી ખાતે તેના ભાઈઓ સાથે રહીને સિલાઈનું કામ કરે છે. ઘટનાના દિવસે સિલાઈની દુકાનમાં અન્ય કારીગર મિત્રો સાથે મજાકમસ્તી કરતી વખતે અખિલને છાતીના ભાગે કાતર ઘૂસી ગઈ હતી.
આ પણ વાંચો: સુરતમાં સમલૈંગિક લોકોને ફસાવી પૈસા પડાવવાનું કૌભાંડ, બે યુવકની ધરપકડ
સમગ્ર ઘટનાને લઈને અખિલના ભાઈ અને સાથી કારીગરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં તબીબી સ્ટાફ અખિલને છાતીના ભાગે કાતર ઘૂસેલી હાલતમાં જોઈને ચોંકી ઉઠ્યા હતા અને ઘટનાની ગંભીરતાને જોતાં તરતજ કાર્યવાહી હાથ ધરીને યુવકનો જીવ બચાવ્યો હતો. જેમાં અખિલની છાતીમાં ત્રણથી વધુ ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે.