Gujarat

કેનાલના ગરનાળા સાથે બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું

By GS TEAM
27 Feb 20262 mins read
કેનાલના ગરનાળા સાથે બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું

ભેરઇ-નાયકા રોડ ઉપર અકસ્માત

ભૂલી ભવાની પાટીયા નજીક બાઈક અને રિક્ષા અથડાતા પાંચને ઇજા, બંને અકસ્માત મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ

નડિયાદ: ખેડા તાલુકાના ભેરઈ-નાયકા રોડ પર પૂરઝડપે જતી મોટરસાયકલ કેનાલના ગરનાળા સાથે અથડાઇ બાઈક ચાલક કેનાલમાં ખાબકતા ૧૯ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ભૂલી ભવાની પાટિયા નજીક બાઈક અને રિક્ષા અથડાતા પાંચને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ બિહારના અને ખેડાની 'માઈક્રોસેલ્સ' કંપનીમાં કામ કરતા ટીટુકુમાર ચંદા દેવી (ઉં.વ.૧૯) ગત રોજ સાંજના સમયે પોતાની મોટરસાયકલ લઈને કંપનીમાંથી કોઇ કામ અર્થે નીકળી ભેરઈ-નાયકા રોડ પરથી પસાર થતો હતો ત્યારે ખારી કેનાલ પાસે ગરનાળાના ડિવાઇડર સાથે અથડાઈ બાઈક ચાલક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ઉછળીને કેનાલમાં પડયો હતો. આ અકસ્માત સર્જાયાની જાણ થતા જ આસપાસના લોકો અને કંપનીના અન્ય કામદારો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓએ કેનાલમાંથી યુવકને બહાર કાઢી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલ પહોંચતા ફરજ પરના ડૉક્ટરે ટીટુકુમાર ચંદાદેવીને મૃત જાહેર કર્યોે હતો. આ બનાવ અંગે બબલુકુમાર પાસવાનની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે અકસ્માતનો બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામના રહેવાસી નિખિલકુમાર મહેન્દ્રભાઈ કટારીયા (ઉં.વ. ૨૪) તેમની પત્ની વૈશાલીબેન સાથે બાઈક પર નડિયાદથી કપડાં લઈને પરત ફરી રહ્યા હતા. સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે જ્યારે તેઓ મહુધા રોડ પર આવેલા ભુલીભવાની પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી એક સી.એન.જી. રિક્ષાના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઈક સવાર દંપતી રોડ પર ફેંકાઈ ગયા હતા. આ અકસ્માતમાં 

વૈશાલીબેન અને નિખિલકુમારને ઇજા થઈ હતી જ્યારે રિક્ષા પલટી ખાઈ જતાં તેમાં બેઠેલા ત્રણ પેસેન્જરોને નાની-મોટી ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક ખાનગી વાહન દ્વારા ઈજાગ્રસ્તોને નડિયાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસે નિખિલકુમારની ફરિયાદના આધારે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.