PMના કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત ફરતી મહિલા કૉન્સ્ટેબલ અને 108 મહિલા કર્મચારીનું મોત
Ahmedabad News: અમદાવાદમાં આજે સોમવારે (25 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શૉ થયો હતો. વડાપ્રધાનનો બંદોબસ્ત પતાવી પરત આવતા મહિલા કૉન્સ્ટેબલ અને 108 મહિલા કર્મચારીનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
બે મહિલા કર્મચારીનું મોત
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના કઠવાડા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોલીસ બંદોબસ્ત સુપેરે સંભાળીને પાછા ફરતા બે મહિલા કર્મચારીઓને ગમખ્વાર અકસ્માત નડયો હતો. જેમાં એક્ટિવા લઈને જતી વખતે ડમ્પરચાલકે ટક્કર મારતાં મહિલા પોલીસકર્મી અને 108 મહિલા કર્મચારીને કચડી નાખ્યા હતા. અકસ્માત બાદ ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ મહિલા પોલીસ કર્મી અને 108 મહિલા કર્મીના મોત થયા હતા.
અકસ્માતના બનાવમાં પોલીસકર્મી વિરલ રબારી અને 108 સેન્ટરની કર્મચારી હિરલ રાજગોરનું કરુણ મોત નીપજ્યું છે, ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઈને જી ડિવિઝને ફરિયાદ નોંધીને ફરાર ડમ્પરચાલકને ઝડપી પાડવા તપાસ આદરી છે.