અમદાવાદ- વડોદરા એક્સપ્રેસવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા દોડધામ

- ચકલાસી પાસે 20 ફૂટ ઊંડા ખાડામાં ટેન્કર ખાબક્યું
- ટેન્કરમાં 16,000 લિટર હાઈડ્રોજન પેરોક્સાઈડ ભરેલું હતું : ફાયરની ટીમે લિકેજ બંધ કરતા દુર્ઘટના ટળી
અમદાવાદ-વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઇવે પર ચકલાસી નજીક શનિવારે બપોરે એક કેમિકલ ભરેલું ટેન્કર હાઈવેની રેલિંગ તોડી ૨૦ ફૂટ નીચે પટકાયું હતું. આ બનાવમાં ટેન્કર ચાલકનો બચાવ થયો હતો. પરંતુ ટેન્કરમાં ભરેલું હાઈડ્રોજન પેરોક્સાઈડ કેમિકલ લીક થયું હતું. હજુ થોડા મહિના પહેલાં જ એક્સપ્રેસવે પર જ એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા ગેસ ગળતર થતા નડિયાદ સહિતના ગામોમાં ધુમાડાના લીધે મુસીબત ઊભી થઈ હતી. ત્યારે આજની ઘટનાની જાણ થતા હાઈવે પેટ્રોલિંગ ટીમ, ચકલાસી પોલીસ અને નડિયાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. નડિયાદ ગ્રામ્ય મામલતદાર અને એસડીઆરએફની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. દહેજથી અમદાવાદ તરફ લઈ જતી વેળાએ આ ઘટના બની હતી.
ટેન્કરમાં ૧૬૦૦૦ લિટર હાઈડ્રોજન પેરોક્સાઈડ કેમિકલ ભરેલું હતું. ઘટનાને પગલે આણંદ ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમોએ પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી કેમિકલ લિકેજને અટકાવવાની કામગીરી શરૂ કરી છે. આડું પડેલું ટેન્કર ઊભું કરી કેમિકલ લિકેજ બંધ કરાયું હતું.

