સરકારી નોકરીમાં SNDT કોલેજની ડીગ્રી માન્ય નહી ગણાતા વિદ્યાર્થીનીઓએ કર્યો ચક્કાજામ
- ભાવનગરની SNDTની 2012 પછીની ડીગ્રી અમાન્ય ગણાતા વિવાદ
ભાવનગર, તા. 25 નવેમ્બર 2019, સોમવાર
ભાવનગરની શ્રીમતિ ન.ચ. ગાંધી અને શ્રીમતિ ભા.વા.ગાંધી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ ચક્કાજામ કર્યો છે. આ કોલેજ SNDT યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી કોલેજ હતી. પરંતુ શિક્ષણ સહાયકની ભરતીમાં આ 2012 પછીની ડિગ્રી અમાન્ય રખાતા વિદ્યાર્થીનીઓએ ચક્કાજામ કરી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા.
વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે, 2012થી કોલેજની માન્યતા રદ કરવામાં આવી છતાં કોલેજ દ્વારા એડમિશન અપાયું અને હવે જ્યારે અભ્યાસપૂર્ણ કરી નોકરી મેળવવા જઈએ ત્યાં આ યૂનિવર્સિટીની ડિગ્રી અમાન્ય ગણવામાં આવે છે. જ્યારે કોલેજ તંત્રનું કહેવું છે કે, આ મામલે સરકાર સાથે વાટાઘાટો શરૂ છે અને વિદ્યાર્થીનીઓની તરફેણમાં નિર્ણય આવે તેવા પ્રયાસો શરૂ છે.
મુળ વિવાદ તેવો છે કે, ગુજરાતમાં આવેલી અન્ય રાજ્યની યૂનિવર્સિટીઓને નજીકની યૂનિવર્સીટીમાં જોડાણ કરવામાં આવે તેઓ અગાઉ નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ વર્ષ 2017 બાદ SNDT મહિલા કોલેજનું ભાવનગર યુનિવર્સિટીમાં જોડાણ કરાયું હતું. હાલ 2012 પછીના વિદ્યાર્થીનીઓને આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે ત્યારે આ વિદ્યાર્થીનીઓનું ભાવિ હાલ અધ્ધરતાલ છે અને કોલેજ તંત્રનું કહેવું છે કે, તેઓ વિદ્યાર્થીનીઓની તરફેણમાં નિર્ણય આવે તેવા પ્રયાસો કરી રહ્યાં છીએ.