તારાપુરમાં ઝેરી દવા આપી બાળકની હત્યાનો પ્રયાસ કરનાર પાડોશી મહિલા ઝડપાઈ, કારણ જાણી પોલીસ ચોંકી ગઈ
Anand News : આણંદ જિલ્લાના તારાપુરમાં સાત વર્ષના બાળકની તબિયત લથડતાં તેને આઈસીયુમાં દાખલ કરાયો હતો. ત્રણ દિવસ બાદ બાળક જ્યારે ભાનમાં આવ્યું તો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં પાડોશમાં રહેતી મહિલાએ બાળકને ઝેરી દવા પીવડાવીને હત્યાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે.
સાત વર્ષના બાળકના હત્યાના પ્રયાસમાં મહિલાની ધરપકડ
આણંદ જિલ્લાના તારાપુરના જીચકા ગામ ખાતે સાત વર્ષના બાળકને હેતલબહેન નામના મહિલાએ કપાસમાં નાખવાની દવા પાણીમાં નાખીને જબરદસ્ત પીવડાવતા બાળકની તબિયત લથડી હતી. જેમાં બાળકોને 16થી 18 માર્ચ સુધી આઈસીયુમાં દાખલ કરાયો હતો. જ્યારે બાળક ભાનમાં આવે છે, ત્યારે તેના પિતાએ પૂછતાં સમગ્ર બાબતે ખુલાસો થયો હતો.
ચોરીનો દોષ બીજા પર આવે એ માટે માસુમને પીવડાવી ઝેરી દવા
મળતી માહિતી મુજબ, આરોપી હેતલબહેનના બાળકના પાડોશી છે અને તેમના ફાળિયામાં કોકિલાબહેન નામના મહિલા એકલાં રહે છે. વાત એમ છે કે, થોડા દિવસ પહેલા કોકિલાબહેન બહારગામ ગયા હતા અને તેમણે ઘરની ચાવી આરોપી હેતલબહેનને રાખવા આપી હતી. પરંતુ જ્યારે કોકિલાબહેન ઘરે પરત આવે છે તો તેમને ઘરમાં રાખેલા સોનાની બંગડી ગાયબ હતી.
જેથી તેમણે હેતલબહેનને પૂછ્યું હતું. એટલે હેતલબહેને દાગી કયા છે તે જાણતી ન હોવાનું કહેતા કોકિલાબહેને કહ્યું કે, 'ભગવાન જોવે છે જેણે પણ ખોટું કર્યું હશે તેની સાથે પણ ખોટું થશે.' આ પછી આરોપીએ ચોરીનો દોષ પોતાના પર ન આવે અને ચોરીનો દોષ બીજા પર જાય એટલા માટે પાડોશી બાળકને ઝેરી દવા પીવડાવી હતી. સદનસીબે બાળકનો જીવ બચી ગયો હતો. હાલ બાળકની સ્થિતિ સારી હોવાથી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે હત્યાનો પ્રયાસ કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.