Get The App

ભાજપના ધારાસભ્યની 25 વર્ષની ગેરન્ટી હતી, પણ ત્રણ મહિનામાં જ ધોવાઈ ગયો 7 કરોડના ખર્ચે બનેલો રોડ

Updated: Jul 28th, 2024

GS TEAM

Google News
Google News
ભાજપના ધારાસભ્યની 25 વર્ષની ગેરન્ટી હતી, પણ ત્રણ મહિનામાં જ ધોવાઈ ગયો 7 કરોડના ખર્ચે બનેલો રોડ 1 - image
Image : Represtative 


Washed Road in Amod: ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસતાં જ સરકારની નબળી કામગીરીની પોલ ખુલી રહી છે. આ દરમિયાન ભરૂચના આમોદમાં બત્રીસી નાળાથી મુલ્લા તળાવ સુધીના રસ્તાનું 7.33 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ ત્રણ મહિના પહેલાં જ થયું હતું. પરંતુ વરસાદના કારણે રસ્તામાં ઠેર ઠેર ગાબડાં પડતા તેની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે.

ભ્રષ્ટ અધિકારીઓના પાપે રસ્તાની ગુણવત્તા જળવાતી નથી: કોંગ્રેસ

આમોદમાં ત્રણ મહિના પહેલાં જ્યારે 7.33 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા  બત્રીસી નાળાથી મુલ્લા તળાવ સુધીના રસ્તાનું જંબુસરના ભાજપના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ત્યારે તેમણે કહ્યું હતં કે, 'આ રસ્તાની મજબૂતી એવી બની છે કે, આવનારાં 25 વર્ષ સુધી રસ્તાને કંઈ નહીં થાય.' પરંતુ ત્રણ મહિનામાં જ  આ રસ્તા પર ગાબડા પડવા લાગ્યા છે. આ મામલે આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ અબ્દુલ મજીદ બરફવાલાએ જણાવ્યું હતું કે, 'આ રસ્તાનું ત્રણ મહિના પહેલાં જ નવીનીકરણ કરાયું હતું અને તેમાં ગબાડા પડી ગયાં છે. ભ્રષ્ટ અધિકારીઓના પાપે રસ્તાની ગુણવત્તા જળવાતી નથી. રસ્તો બની રહ્યો હતો ત્યારે અમે પણ ગુણવત્તા બાબતે રજૂઆતો કરી હતી.'

લીંબડી-અમદાવાદ ઓવરબ્રિજ પર ગાબડું

લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર સુરેન્દ્રનગરના લીંબડી સર્કલ પાસે ઓવરબ્રિજ પર 10 ફૂટનું મસમોટું ગાબડું પડતાં બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.  ઓવર બ્રિજના બાંધકામમાં નબળા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલિભગત હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.  ઓવર બ્રિજ પર પડેલા ગાબડાં કારણે હાલ પૂરતો એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો અને બેરિકેડ મૂકીને રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  

આ પણ વાંચો: મજબૂત વિકાસની વાતો વચ્ચે નબળા પુલોની પોલંપોલ, સુદર્શન સેતુ પછી લીંબડી-અમદાવાદ ઓવરબ્રિજ પર ગાબડું

રસ્તાઓની નબળી કામગીરીની અંગે સરકાર પર ઊઠી રહ્યા સવાલ

ઉલ્લેખનીય છે કે, અગાઉ અંદાજે 40  કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ડભોઈ નજીક ઓવરબ્રિજ પર ગાબડું પડતાં વિવાદ સજાર્યો હતો. ત્યારબાદ તાત્કાલિક ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવતાં 7 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર બ્રિજ પર પડી રહેલા ગાબડાં જોતાં એવું લાગે છે વિકાસ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનો થઈ રહ્યો છે. જો આ પ્રકારે રાજ્યમાં બ્રિજ પર ગાબડાં પડશે તો ચોક્ક્સ ગુજરાતમાં પણ બિહારવાળી જોવા મળે તો નવાઇ નહીં.

ભાજપના ધારાસભ્યની 25 વર્ષની ગેરન્ટી હતી, પણ ત્રણ મહિનામાં જ ધોવાઈ ગયો 7 કરોડના ખર્ચે બનેલો રોડ 2 - image

Tags :