રિસામણે આવેલી સાળીના પતિની સાઢુભાઈએ કરી હત્યા, જામનગરમાં બની ઘટના
Jamnagar News : જામનગરમાં ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં આજે રવિવારે (31 ઓગસ્ટ) એક યુવાન પર છરી અને પાઇપ વડે હુમલો કરતાં યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતક યુવાનની પત્ની રિસામણે બેઠી હોવાથી જામનગરમાં જ રહેતા તેના સાઢુભાઈ અને તેના બે પુત્રએ આ બાબતે તકરાર રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યા અંગે ગુનો નોંધી, ફરાર ત્રણેય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ હત્યાના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતો રોહિત દિલાભાઈ પરમાર નામનો 32 વર્ષનો યુવાન આજે રવિવારે બપોરે 1:30 વાગ્યાના અરસામાં પાણાખાણ વિસ્તારમાં ઉભો હતો. આ દરમિયાન રોહિતના સાઢુભાઈ નરેશ તુલસીભાઈ પુરબીયા અને તેના બે પુત્રો સુજલ અને વિમલ ત્યાં આવીને રોહિત પર હુમલો કર્યો હતો. જેમાં આરોપીઓએ રોહિત પર છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: જામનગરમાં એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણના ડૂબી જવાથી મોત, ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના
સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્ત રોહિતને સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં શહેર વીભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા અને સિટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો. પોલીસે મૃતક રોહિતના પિતા દિલાભાઈ વીરાભાઇ પરમારની ફરિયાદના આધારે ત્રણેય આરોપી હત્યાનો ગુનો નોંધીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.