સેક્ટર-૧૬માં આવેલા અન્ડરબ્રિજ પાસે
સેક્ટર-૨૨માં રહેતા પ્રૌઢ નિત્યક્રમ પ્રમાણે સવારના સમયે ગ્રાહકોને છાપા પહોંચાડવા સાયકલ લઇને નીકળ્યા હતાં
ગાંધીનગર : પાટનગરના સેક્ટર ૧૬માં આવેલા અન્ડરબ્રિજ નજીક પુરપાટ આવેલી કારના ચાલકે ટક્કર મારી દેતાં અખબારોનું વિતરણ કરતા પ્રૌઢનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાનો બનાવ પોલીસ દફતરે નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સેક્ટર ૨૨માં રહેતા પ્રૌઢ નિત્યક્રમ પ્રમાણે સવારના સમયે ગ્રાહકોને છાપા પહોંચાડવા સાયકલ લઇને નીકળ્યા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
શહેરમાં મુખ્ય માર્ગો પર કોઇપણ સમયે પુરપાટ દોડતા રહેતા વાહનોના
કારણે છાશવારે જાનલેવા અકસ્માતના બનાવો બનતાં રહે છે. ત્યારે ઘરે ઘરે જઇને
અખબારનું વિતરણ કરવાનો વ્યવસાય કરતાં અને સેક્ટર ૨૨માં રહેતા પ્રફુલભાઇ શુકલ નામના
૫૫ વર્ષના પ્રૌઢ ગત તારીખ ૧૨મીએ સવારે છાપાનું વિતરણ કરવા માટે સાયકલ લઇને જઇ
રહ્યા હતાં. ત્યારે ઉપરોક્ત અકસ્માતનો ભોગ બન્યા હતાં. પુરપાટ દોડતી ગાડીએ
અડેફટમાં લેતા તેઓ રોડ પર ફંગોળાઇ ગયા હતાં અને માથામાં ગંભીર ઇજા થવાથી લોહીઝાણ
હાલતમાં બેભાન બની ગયા હતાં. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ
હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ આખરે
તેઓ જીવનનો જંગ હારી ગયા હતાં. આ બનાવ સંબંધે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા મૃતકના પત્ની
રાજશ્રીબેનની ફરિયાદ પરથી કારના ચાલક સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી કરી
હતી.


