સુરત પાલિકાની નબળી કામગીરી લોકોના માથે આફત બની : સામાન્ય વરસાદમાં જોગર્સ પાર્ક પાસે વિશાળકાય દિશા સુચક બોર્ડ તુટી પડ્યું

Surat : ચોમાસા પહેલાં સુરત પાલિકાની પ્રિમોન્સુન નબળી કામગીરીના કારણે શહેરમા અનેક વૃક્ષો અને પાલિકાના દિશા સુચક પોલ સુરતીઓ માટે આફત બની રહ્યાં છે. બે દિવસ પહેલા અડાજણ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થતાં એક યુવતીને ગંભીર ઈજા થઈ હતી. તો આજે ટ્રાફિકથી ધમધમતા સીટી લાઈટ વિસ્તારમાં પાલિકાનું મહાકાય દિશા સુચક બોર્ડ અચાનક રસ્તા પર પડી ગયું હતું જોકે, સદ્દનસીબે કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ સામાન્ય વરસાદમાં જ અનેક વૃક્ષો ધરાશાયી થવા સાથે વિશાળકાય બોર્ડ પણ પડી જવાની ઘટના પાલિકાની નબળી કામગીરીની ચાડી ખાઈ છે.
સુરતમાં વરસાદ શરુ થવાની સાથે જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. પહેલાં જ વરસાદમાં પુણા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીનો ભરાવો થતા લોકોને હાલાકી પડી હતી. આ પહેલાં આ વિસ્તારમાં પાણીનો ભરાવો ન થાય તે માટે આયોજન કરાયુ હતું પરંતુ તે કાગળ પર જ રહી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ગઈકાલે ટ્રાફિકથી ધમધમતા એવા જોગર્સ પાર્ક વિસ્તારમાં પાલિકાનું વિશાળકાય દિશા સુચક બોર્ડ ઘડાકાભેર પડી ગયું હતું. જે સમયે બોર્ડ પડ્યું તે સમયે કોઈ વાહન પસાર થતું ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી. પરંતુ જે વિશાળકાય બોર્ડ છે તે પડ્યું ત્યારે વાહન હોત તો કોઈને જીવ જાય તેવી શક્તા નકારી શકાતી નથી. પાલિકા વિશાળકાય દિશા સુચક બોર્ડ લગાવે છે પરંતુ તે સામાન્ય વરસાદમાં પડી જાય છે તેથી બોર્ડ લગાવવાની કામગીરી નબળી હોવાની ફરિયાદ થઈ રહી છે.
ગઈકાલે ગુજરાત ગેસ સર્કલથી ઋષભ સર્કલ વચ્ચે એક મોટું વૃક્ષ પડી ગયું હતું. જેમાં એક યુવતીને હાથમાં ગંભીર ઈજા થઈ હતી. આ વિસ્તારમાં વૃક્ષો નીચા વળી ગયા છે અને ડાળીઓ પણ જોખમી છે તેમ છતાં ટ્રીમીંગ કરવામા આવ્યું નથી તેથી આ અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ મોટા પાયે વૃક્ષના ટ્રીમીંગ કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે. આમ વરસાદ શરુ થયો છે ત્યારે જ પાલિકાની નબળી કામગીરીથી પાણી ભરાવવા, વૃક્ષો પડવા કે દિશા સુચક બોર્ડ લોકો માટે જોખમ બની ગયાં છે. તેથી બાકી રહી ગયેલી કામગીરી તાકીદે પુરી કરવા માટે માંગણી થઈ રહી છે.

