Get The App

સરકારની કરવેરા ભૂખ: દેશભરમાં કરચોરી પકડવા ટારગેટ અપાયો, જાણો કયા કયા ઉદ્યોગ-ધંધા માટે ચિંતાનો વિષય

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
સરકારની કરવેરા ભૂખ: દેશભરમાં કરચોરી પકડવા ટારગેટ અપાયો, જાણો કયા કયા ઉદ્યોગ-ધંધા માટે ચિંતાનો વિષય 1 - image


Tax Evasion Target: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે 2025-26ના નાણાંકીય વર્ષમાં દેશભરમાંથી રૂ. 2.4 લાખ કરોડનું કાળું નાણું પકડી પાડવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ માટે તેમની દરોડો પાડતી વિન્ગને સૂચના આપી દીધી છે. તેમને જણાવવામાં આવ્યું છે કે રિપોર્ટ ન કરવામાં આવેલા બિઝનેસ કે પછી વાસ્તવિક કરતાં ઓછો બિઝનેસ દેખાડનારાઓને ઝડપી લેવા માટે સક્રિય થવાનો અને તેને માટેનો ચોક્કસ સમય મર્યાદા સાથેનો વ્યૂહ નક્કી કરી દેવાની સૂચના પણ આપી દીધી છે. ટૂંકમાં કરચોરી કરનારાઓને ટેક્સ નેટમાં ખેંચી લાવવા માટે એડીચોટીનું જોર લગાવવાની સૂચના આપી દેવામાં આવી છે.

૩1મી જુલાઈ પહેલા આવકવેરાના દરેક વોર્ડના અધિકારીઓને એક મોટો દરોડો પાડવા સૂચના

સીબીડીટીનું માનવું છે કે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન રૂ. 2.4 લાખ કરોડની કરચોરી પકડી પાડવાની શક્યતા છે. આવકવેરાના જાણકાર પ્રમોદ પોપટનું કહેવું છે કે આવકવેરાના દરેક વોર્ડને એક મોટો દરોડો પાડીને મોટી કરચોરી પકડી પાડવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે. ૩1મી જુલાઈ પહેલા જ એક મોટો દરોડો પાડવાની કામગીરી પૂરી કરવા સૂચના અપાઈ છે.

બિનહિસાબી નાણાં પકડી પાડવાના કુલ ટાર્ગેટમાંથી 60 ટકા ટાર્ગેટ તો દરોડા પાડીને કે પછી સર્ચ ઓપરેશન હાથ ધરીને પાર પાડવાની સૂચના આપવામાં આવી છે. બાકીની ચાળીસ ટકા આવક દરોડો પાડ્યા વિના કરચોરી પકડી પાડીને પૂરો કરવાની સૂચના આપવામાં આવી છે. તેને માટે ડેટા એનાલિસિસના વિકલ્પનો આશરો લેવા જણાવવામાં આવ્યું છે. તદુપરાંત ફાઈનાન્શિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.

ટેક્સની આવકમાં 17 ટકાનો વધારો થયો છે. 2024-25ના નાણાંકીય વર્ષમાં સીધા વેરાની આવક તેના નિર્ધારિત ટાર્ગેટ કરતાં ઊંચી રહી છે. ગયા નાણાંકીય વર્ષની સરખામણીમાં સીધા વેરાની આવક 17 ટકા વધીને રૂ. 11,82,875 કરોડની થઈ છે.

મેન્યુફેક્ચરર્સ, ભંગારનો વેપાર કરનારાઓ પર ફોકસ કરવામાં આવશે

અઢી લાખ કરોડની કરચોરી પકડી પાડવા માટે આવકવેરા ખાતાની ઇન્વેસ્ટિગેશન વિન્ગને કરચોરી પકડી પાડવા પર ઘ્યાન કેન્દ્રિત કરવા માટે મહામ કરચોરી કરતાં બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝના જુદાં જુદાં સેક્ટરનો ડેટા એકત્રિત કરવા જણાવી દેવામાં આવ્યું છે. તેમને લગતી પૂરતી માહિતી એકત્રિત કરી લેવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ પ્રોવાઈડર્સ, ઉત્ખનન કરનારા, દારૂના વેપાર સાથે સંકળાયેલા, ઇન્ટરનેશનલ ટ્રેડ કરનારાઓ, હવાલા કરનારા, આરોગ્યના સેક્ટરના, ભંગારનો વેપાર કરનારાઓ સહિતના વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનો ડેટા તૈયાર કરવા જણાવી દેવામાં આવ્યું છે.

તેમાંય ખાસ કરીને વાસ્તવિક વેપાર કરતાં ઓછો વેપાર અને વાસ્તવિક આવક કરતાં ઓછી આવક દેખાડવાની સંભાવના હોય તેવા તમામ સેક્ટર પર નજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. ઇન્ફોર્મલ સેક્ટરમાં થતાં નાણાંકીય વહેવારો નજરે ચઢતા જ નથી. તેથી આ સેક્ટરનો અભ્યાસ કરવો જરૂરી છે. આવકવેરા અધિકારીઓની નજરમાંથી છટકી જતાં બિઝનેસ પર ફોકસ કરવા જણાવવામાં આવ્યું છે. તેના ડેટા પણ ઓછામાં ઓછા ઉપલબ્ધ હોય છે. આ ક્ષેત્રના ડેટા એકત્રિત કરીને તેને ટેક્સ નેટમાં ખેંચી લાવવાની સૂચના આપવામાં આવી છે.

Tags :