અશ્રુધારાનો દરિયો છલકાયો : તળાજા પંથકના મહિલા તબીબ, ભાવિ તબીબને અંતિમ વિદાય

- મેડીકલ હોસ્ટેલની મેસ અને બિલ્ડીંગ સાથે વિમાન ટકરાતા અકાળે મોતને ભેટયાં
- મહિલા તબીબના ભાઈની હજુ કોઈ ભાળ નહીં, પરિવાર ચિંતાતૂર : બન્નેની અંતિમયાત્રામાં રાજકીય-સામાજિક આગેવાનોએ જોડાઈ સાંત્વના પાઠવી
તળાજા/ભાવનગર : અમદાવાદની હચમચાવનારી પ્લેન ક્રેશની દુર્ઘટનાએ ભાવનગર અને બોટાદ જિલ્લાને કદી ન રૂંજાય તેવો ઘાવ આપ્યો છે. પ્લેન ક્રેશની દુર્ઘટનામાં માત્ર મુસાફરો જ નહીં પરંતુ આરોગ્ય ક્ષેત્રે દેશના વિકાસ અને પ્રગતિમાં મહત્ત્વપુર્ણ યોગદાન આપવાની નેમ સાથે તબીબી પ્રેક્ટીસ અને તબીબી અભ્યાસ કરી રહેલા બે યુવા ચહેરાને પણ પ્લેન ક્રેશનો કાળ ભરખી ગયો હતો. તળાજાના મહિલા તબીબ ડૉ, કાજલબેન સોંલકી અને સોસિયા ગામના ભાવિ તબીબ રાકેશ દિહોરાનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ બન્નેના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે તેમના વતન તળાજા તેમજ સોસિયા લવાયા હતા. અહીં અશ્રુધારાઓનો દરિયો છલકાયો હોય તેમ ચોધાર આંસુઓ અને વલોપાત સાથે તેઓના અંતિમ સંસ્કાર કરાયા હતા. અંતિમ વિદાય વેળાએ હાજર હતભાગીઓના પરિવારજનોના આક્રંદથી પાસાણ હૃદયના માનવીને પણ હચમચાવી દીધો હતો.આ વેળાએ રાજકીય-સામાજિક આગોવાનોએ હાજર રહી હતભાગી પરિવારને સાંત્વના આપી હતી. અમદાવાદના મેઘાણીનગરમાં આઈજીપી કમ્પાઉન્ડ સ્થિત મેડીકલ હોસ્ટેલની મેસ બલ્ડીંગ સાથે એર ઈન્ડિયાનું વિમાન અથડાયાની ઘટનામાં મોતને ભેટેલા તળાજાના મહિલા તબીબના ભાઈ પણ લાપતા છે. ઘટનાના ૨૪ કલાક બાદ પણ મહુવામાં રહેતા ડો.ભાવિન સેંતાની કોઈ ભાળ મળી નથી. પ્લેન ક્રેશ થયું ત્યારે બન્ને ભાઈ-બહેન સાથે હતા. જેથી પરિવાર ચિંતાતૂર થયો છે. ડો.ભાવિનભાઈએ એમબીબીએસ ઈન્ટરશિપ પૂર્ણ કર્યું હતું અને પીજી માટે તેઓ તૈયારી કરતા હોય, બે દિવસ પૂર્વે જ બહેન પાસે અમદાવાદ ગયા હતા. હાલ તેમની ચોક્કસ ભાળ મળી નથી. પરંતુ અમદાવાદની કોઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પરિવારને જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે, વિમાન દુર્ઘટનામાં ભાવનગરના પ્રેમજી વશરામ જવેલર્સના સ્વગર્સ્થ ભરતભાઈ લંગાળિયાના દીકરી, જમાઈ, દીકરીના જેઠાણી અને પરિવારના એક બાળકનું મોત થયું છે. ત્યાં તળાજાના મહિલા તબીબ, સોસિયા ગામના ભાવિ તબીબ, અડતાળાના ભાવિ દંપતીના મૃત્યુના વાવડે ભાવનગર અને બોટાદ જિલ્લાવાસીઓને શોકમગ્ન કર્યા છે.

