Get The App

મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના 38 વર્ષીય મહિલા ટ્રાવેલ એજન્સીના સંચાલક પાસેથી તેના કર્મચારીએ જ રૂ. 60 લાખ પડાવ્યા

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના 38  વર્ષીય મહિલા ટ્રાવેલ એજન્સીના સંચાલક પાસેથી તેના કર્મચારીએ જ રૂ. 60 લાખ પડાવ્યા 1 - image


ડેટા પરત કરવા, મહિલા કર્મચારીના કપડા બદલતો વિડીયો વાયરલ કરવા કહી નોકરી કરતા પાંડેસરાના રાહુલ રગડેએ તમે ખોટા ડોકયુમેન્ટ આધારે લોકોને વિદેશ મોકલો છો, તે માહિતી વિઝા ઓફિસમાં મોકલવા ધમકી આપી હતી 

સુરત, : સુરતના વરાછા ગીતાંજલી વિસ્તારમાં આવેલી ટ્રાવેલ એજન્સીમાં રૂ. 30,000ના પગાર ઉપર અઢી વર્ષથી નોકરી કરતા પાંડેસરાના યુવાને તમે ખોટા ડોકયુમેન્ટ સાથે કામ કરીને લોકોને વિદેશ મોકલો છો અને મારી પાસે બધી માહિતી છે તે વિઝા ઓફિસમાં મોકલી કામ બગાડવાની ધમકી આપી બાદમાં ગ્રાહકોના ડેટા પરત કરવા અને 2 મહિલા કર્મચારીનો કપડાં બદલતો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ટ્રાવેલ એજન્સીના મહિલા સંચાલક પાસે રૂ. 60  લાખ પડાવ્યા હતા.યુવાને પૈસા લીધા બાદ ડેટા નહીં આપી તેમજ વિડીયો વાયરલ કરવાની ફરી ધમકી આપી બીજા રૂ. 1.20 કરોડની માંગણી કરતા આખરે મહિલા સંચાલકે ગતરોજ તેના વિરૂદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય સંગીતાબેન (નામ બદલ્યું છે) પતિ સાથે વરાછા મેઈન રોડ ગીતાંજલી વિસ્તારમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉપરાંત વિઝાનું કામ કરે છે. અઢી વર્ષ પહેલા તેમને અંગ્રેજી જાણકાર વ્યક્તિની જરૂર હોય ફેસબુક ઉપર એક નેટવર્કીંગ સાઈટ ઉપર પોસ્ટ મૂકી હતી. તેના આધારે રાહુલ જગદીશભાઇ રગડે (ઉ.વ. 38, રહે.ઘર નં.સી/2/31, જીઆઇડીસી કોલોની, બાટલીબોય કંપનીની સામે, પાંડેસરા, સુરત) રૂ. 30,000 ના પગારે નોકરીએ જોડાયો હતો. ગ્રાહકોના ડેટા કલેક્ટ કરી તેને ડિજીટલાઇઝ કરતા રાહુલને ગત 10 મે ના રોજ બેંકમાં અરજન્ટ પૈસા ભરવા જવા સંગીતાબેનના પતિએ કહેતા રાહુલે પોતે ઓફિસ બોય નથી તેમ કહી ગેરવર્તન કર્યું હતું અને બે દિવસ નોકરી ઉપર નહીં આવતા સંગીતાબેને ફોન કરતા રાહુલે નોકરી છોડી દીધી છે તેમ કહેતા તેને સમજાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, રાહુલે હું તમારી સાથે શુ કરવાનો છુ તે તેમને ખબર નથી ફોન ચાલુ રાખો તમને વ્હોટ્સએપ ઉપર એક મેસેજ મોકલું છું તે વાંચો પછી મારી સાથે વાત કરજો તેમ કહી મેસેજ કર્યો હતો. મેસેજમાં રાહુલે તમે ખોટા ડોકયુમેન્ટ સાથે કામ કરીને લોકોને વિદેશ મોકલો છો અને મારી પાસે તમારા બધા જ ક્લાઇન્ટના ડોકયુમેન્ટ છે, તેમાં છેડછાડ કરીને જે તે દેશની વિઝા ઓફિસમાં મેઇલ મોકલી આપીશ તેવી ધમકી આપતા સંગીતાબેન બાદમાં તેને ઉધના દરવાજાની રેસ્ટોરન્ટમાં રૂબરૂ મળ્યા ત્યારે રાહુલે ગ્રાહકોના ડેટા પરત કરવા અને ઓફિસની બે મહિલા કર્મચારીનો કપડાં બદલતો વિડીયો તેની પાસે છે અને તેમાં ઓફિસનું નામ દેખાય છે તેમ કહી વાયરલ કરવાની ધમકી આપી રૂ. 1 કરોડની માંગણી કરી હતી. સંગીતાબેનના પતિની તબીયત સારી રહેતી  ન હોય તે રૂ. 60 લાખ લેવા સંમત થયો હતો અને ટુકડે ટુકડે તેટલા પૈસા લીધા હતા. પણ રૂ. 60 લાખ લીધા બાદ રાહુલે બ્લેકમેઇલ કરવાનું ચાલુ રાખી ડેટા નહીં આપી તેમજ વિડીયો વાયરલ કરવાની ફરી ધમકી આપી બીજા રૂ. 1.20 કરોડની માંગણી કરી હતી. એટલું જ નહીં તે ઓફિસમાં કામ કરતી જે 2 યુવતીના કપડાં બદલતા વિડીયો તેની પાસે હતા તે પૈકીની એક યુવતીને મેસેજ કરી અભદ્ર ટીપ્પણી કરતો હતો અને ઇન્સ્ટાગ્રામ ઉપર અશ્લીલ મેસેજ પણ મોકલતો હતો. તે યુવતીને રાહુલ પોતાની સાથે રીલેશનશીપ રાખવા માટે પણ દબાણ કરતો હતો. રાહુલે સંગીતાબેનને જો બીજા પૈસા નહીં આપો તો તમારો ધંધો બરબાદ કરી તમને અને તમારા પતિને રસ્તા ઉપર લાવી દઈશ તેવી ધમકી પણ આપતા આખરે સંગીતાબેને તેના વિરૂદ્ધ ગતરોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે હાલ ટયુટર તરીકે કામ કરતા રાહુલ રગડેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Tags :