અમદાવાદમાં 932 વર્ષ જૂની માતર ભવાની વાવ ધસી પડવાનું જોખમ, શ્રાવણી અમાસનો મેળો ના યોજાય એવી સ્થિતિ
Image: Instagram @Siddharth Lakhani |
Ahmedabad Matar Bhavani Stepwell: અમદાવાદ શહેરની સ્થાપના છ સદીઓ પહેલાં થઈ હતી. પરંતુ શહેરમાં એવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો છે, જે અમદાવાદ શહેરની સ્થાપના પહેલાંથી અસ્તિત્વ ધરાવે છે. આ પૈકીનું એક એટલે અસારવાની માતર ભવાની વાવ છે. લગભગ 932 વર્ષની આ વાવ સરકાર અને પુરાતત્ત્વ ખાતાની ઉપેક્ષાની ભોગ બની છે. પ્રવાસીઓ માટે ફરવાનું વૈશ્વિક સ્થળ બની શકે તેવી ક્ષમતા ધરાવતી આ વાવને પાટણ કે અડાલજની વાવની માફક વિકસાવવા માટે આજ સુધીમાં કોઈ ધ્યાન આપ્યું નથી. પરિણામે હાલમાં વાવની દીવાલોની રીતસરની લૂણો લાગવા માંડ્યો છે અને ઠેર-ઠેર તિરાડો પડવા લાગી છે, પથ્થરો છૂટા પડવા માંડ્યા છે. આ સિવાય પગથિયા સહિતના સ્થળોએ શેવાળ જામી ગઈ છે. વાતાવરણની અસરથી પથ્થરોનો રંગ બદલાઈ ગયો છે. આવીને આવી સ્થિતિ રહેશે તો આગામી થોડા સમયમાં આ વાવ ફક્ત પુસ્તકોના પાના પૂરતી જ સીમિત રહી જશે.
વાવનો પ્રાચીન ઈતિહાસ
અસારવા વિસ્તારમાં ચમનપુરા રોડ પર ઉમિયા માતાજીના મંદિર પાસે આવેલી આ વાવનું ખરું નામ માતા ભવાનીની વાવ છે. પરંતુ બાદમાં લોકબોલીમાં અપભ્રંશ થઈને હવે માતર ભવાની વાવ તરીકે ઓળખાય છે. વાવ પર લગાવવામાં આવેલી તક્તીમાં લખેલી વિગતો અનુસાર, છેલ્લા સોલંકી રાજા કરણના સમયમાં ઈ.સ. 1083 થી 1093ના સમયમાં આ વાવ બની છે. આ વાવનું નામ તેની પશ્ચિમે આવેલા કોશ એટલે કે પાણી ખેંચવાના કૂવાના ગોળાકાર પોરિયાની બહારના ભાગમાં બાંધેલા દેવી ભવાનીના નાના મંદિર ઉપરથી પડયું છે. એટલે કે આ વાવ લગભગ 932 વર્ષ કરતા વધારે સમય જૂની છે. અહીં દર શ્રાવણ માસની અમાસે પ્રખ્યાત લોક મેળો ભરાય છે. જેમાંહજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
આ પણ વાંચોઃ અમરેલીના છેલણા ગામમાં હડકાયા શિયાળનો આતંક, મહિલા સહિત ત્રણને બચકાં ભર્યા
સરકાર અને પુરાતત્ત્વ ખાતાની ઉપેક્ષાનો ભોગ બનેલી આ ઐતિહાસિક વાવ વિશે ભાગ્યે જ આજની યુવા પેઢીને જાણકારી હશે. આ વાવના સમારકામ અને જાળવણીની માંગ સાથે રવિવારે સવારે વિરોધ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
લોકો રજૂઆતો કરીને થાકી ગયા, પરંતુ તંત્ર નિષ્ક્રિય
અસારવા વિસ્તારના સામાજિક કાર્યકર પ્રવિણસિંહ દરબાર જણાવે છે કે, પુરાતત્ત્વ વિભાગની દિલ્હી સ્થિત કચેરીમાં ફોટોગ્રાફ્સ સાથે જાગૃતિ લાવવા માટે લોકોએ રજૂઆતો કરી છે. અમદાવાદની સ્થાનિક કચેરીમાં રૂબરૂ જઈને રજૂઆતો કરાઈ છે. પરંતુ તંત્રના બહેરા કાને લોકોનો અવાજ અથડાતો નથી.
આ પણ વાંચોઃ સુરતના અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના મોટા વૃક્ષો કાપી નાંખ્યા
પરંપરાગત મેળા પર સંકટ
શ્રાવણ મહિનાની અમાસે અહીં પરંપરાગત રીતે ભરાતો મેળો આ વખતે બંધ રાખવો પડે એટલી ખરાબ હાલત છે. સ્થાનિક જાગૃત લોકોના જણાવ્યા અનુસાર વાવનો ઘણો ભાગ જર્જરિત થઈ ગયો છે. ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિમાં છે. મેળામાં એકાદ લાખ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વહેલી સવારથી મોડી રાત સુધી માતા ભવાનીના મંદિરે દર્શન કરવા શ્રદ્ધાળુઓની લાંબી લાઇન લાગે છે. એવમાં નાનકડી એવી ચૂક પણ મોટી દુર્ઘટના નોતરી શકે તેમ છે. શ્રદ્ધાળુઓ પરના આ જોખમને ધ્યાને લઈને મેળા પર પણ સંકટ આવ્યું છે.
ASIના અધિકારીઓ જોઈને જતા રહે છે
મંદિર સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વાવ ASI (આર્કિયોલોજિકલ સરવે ઑફ ઈન્ડિયા) હેઠળ આવે છે. પરંતુ, બાદમાં સમારકામ કે જાળવણી અંગે કોઈ પગલા લેવામાં નથી આવતા.