શનિવારના કોરોનાના મૃતક 10માંથી 9ને કોઈ રોગ ન હતોઃ બેની ઉંમર 30થી ઓછી
મ્યુનિ. તંત્ર મૃતકની રોગ સાથેની યાદી જાહેર કરે છે ઃ એકમાત્ર અડાજણના 64 વર્ષીય પુરૃષને ડાયાબિટીશ-હૃદય રોગની બિમારી હતી
સુરતમાં હવે માત્ર કોરોનાથી મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું
સુરત,
તા. 26 જુલાઈ, 2020, રવિવાર
સુરતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 532 લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ તેમાંથી મોટા ભાગના લોકો કોરોના સાથે અન્ય બિમારી ધરાવતાં હતા તેવું તંત્રએ જાહેર કર્યું હતું. પરંતુ શનિવારે મ્યુનિ.તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ચોંકાવનારા છે. જેમાં 10 દર્દીના મોત થયા, તેમાંથી 9 લોકોને કોઈ પણ પ્રકારની બિમારી ન હતી. આ 10માંથી એક માત્ર 64 વર્ષના વ્યક્તિને ડાયાબિટીશ સાથે હાર્ટની બિમારી હતી. બે મૃતકોની ઉંમર તો 30 વર્ષથી પણ ઓછી હતી, જે સુરતીઓ અને તંત્ર માટે ચિંતાનો વિષય છે.
કોરોનામાં સુરતમાં 532 લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમાંથી મોટાભાગના લોકોને કોરોના સાથે અન્ય બિમારીનું નિદાન કરાયું હતું અને તેના કારણે જ તેઓના મૃત્યુ થયાં હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. મ્યુનિ. તંત્ર અત્યાર સુધી દાવો કરતું હતું કે જે મોત થઈ રહ્યાં છે તે કોમોર્બિડ હોય તેના જ થઈ રહ્યાં છે. પરંતુ શનિવારે મ્યુનિ. તંત્રએ જાહેર કરેલા આંકડા ચોંકાવનારા છે. શનિવારે 10 લોકોના મોત થયા હતા. તેમાંથી 8 દર્દી સિવિલમાં અને એક સ્મીમેર અને એકનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. ખાનગીમાં સારવાર લેનાર અડાજણના ૬૪ વર્ષના પુરૃષને ડાયાબીટીશ સાથે હૃદયરોગની બિમારી હતી. જ્યારે બાકીના 9 દર્દીને કોઈ પ્રકારની બિમારી ન હોવાનું મ્યુનિ.ની સત્તાવાર યાદીમાં જાહેર કરાયું છે. જેમાં મુગલીસરાઈ વિસ્તારમાં રહેતો ૨૪ વર્ષનો યુવાનને સિવિલમાં સારવાર માટે 20 જુલાઈના રોજ દાખલ કરાયો હતો. જ્યાં પાંચ જ દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. જેને કોરોના સિવાય બીજો કોઈ પણ રોગ ન હતો. આ ઉપરાંત કોસાડ આવાસમાં રહેતા 18 વર્ષના યુવાનને 12 જુલાઈના રોજ કોરોના પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ કરાયો અને શનિવારે મોતને ભેટયો હતો. સરકારી તંત્ર અત્યાર સુધીમાં કોરોનાનો ભોગ મોટી ઉંમરના અને અન્ય બિમારી ધરાવતાં લોકો જ બનીને મોતને ભેટી રહ્યાં છે તેવી જાહેરાત કરતું હતું પરંતું કોરોના સિવિય કોઈ બિમારી ન હોય તેવા 9 દર્દી અને તેમાંથી બે દર્દીની ઉંમર 30 વર્ષથી પણ ઓછી છે તે સુરત માટે જ નહી પરંતુ રાજ્ય સરકાર માટે પણ ચિંતાનો વિષય છે.