બોર્ડની પૂરક પરીક્ષા : વડોદરામાં ધો.10ના 8555 અને ધો.12માં 10926 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Gujarat Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનો તા.23 જૂનથી પ્રારંભ થશે. આ વખતે બોર્ડ દ્વારા તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી આ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે.
વડોદરામાં ધો.10માં 8555 તથા ધો.12માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના મળીને 10926 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે ડીઈઓ કચેરી દ્વારા સ્થાનિક સ્તરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ધો.10ની પરીક્ષા રાવપુરા ઝોનના 26 કેન્દ્રો પર અને 252 બ્લોકમાં લેવાશે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માંડવી ઝોનના 11 કેન્દ્રો પર લેવાશે. કુલ 6066 વિદ્યાર્થીઓ તેના માટે નોંધાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહના 4860 વિદ્યાર્થીઓ માટે માંડવી ઝોનના 8 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બોર્ડની મુખ્ય પરીક્ષાની જેમ જ પૂરક પરીક્ષામાં સીસીટીવી કેમેરાથી નજર રખાશે. પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ મહત્તમ બે જ વિષયની પરીક્ષા આપી શકે તેવો નિયમ દૂર કરાયો હોવાથી આ વખતે પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે. આ પરીક્ષા માટે પણ વડોદરા શહેર અને જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા તથા કાઉન્સિલિંગ માટે એક હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં 6 આચાર્યોનો સમાવેશ કરાયો છે.

