ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતાં બે ડોક્ટર અને બે નર્સ સહિત 8 પોઝિટિવ
- એનેસ્થેશીયા વિભાગના અમદાવાદથી આવતા વધુ એક ડોક્ટર કોરોના પોઝિટિવ
- કુડાસણના પ્રમુખ એક્ઝોટીકામાં રહેતા ડોક્ટર પણ ચેપગ્રસ્ત થયા
ગાંધીનગર, તા. 17 મે 2020, રવિવાર
કોરોનાના પ્રાણઘાતક અને અંતિચેપી વાયરસથી સમગ્ર વિશ્વ પ્રભાવીત થયું છે. ત્યારે આ વાયરસ સામે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સહિત પોલીસ અને સરકારી તંત્ર જંગે ચઢ્યું છે. આ તમામ કોરોના વોરિયર્સ પોતાના અને પોતાના પરિવારના જીવના જોખમે અડીખમ ઉભા રહીને ફરજ નિભાવી રહ્યાં છે. આરોગ્યની સેવાઓ કથળે નહીં તે માટે ડોક્ટર અને અન્ય મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અવિરત સેવા આપી રહ્યો છે.
સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે તેમ છતાં ડોક્ટરોનો જુસ્સો નબળો પડયો નથી. આવી સ્થિતિમાં દરરોજ ડોક્ટર અને નર્સ કોરોનામાં સપડાવાનો સીલ સીલો ચાલુ જ છે. ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતાં એક ડોક્ટર ઉપરાંત ખાનગી પ્રેક્ટીસ કરતાં વધુ એક ડોક્ટર પોઝિટિવ આવ્યા છે. ત્યારે યુએનમહેતા અને ગાંધીનગર સિવિલની એક -એક નર્સ પણ સંક્રમિત થઇ છે. ગાંધીનગર શહેરમાં સેક્ટર-૪, સેકટર-૨૪ ઇન્દિરાનગર, સે-૮ અને સિવિલ સંકુલમાંથી કેસ મળી આવ્યા છે. જ્યારે કુડાસણમાં પ્રમુખ એક્ઝોટીકા, રાંદેસણમાં વિનાયક લાઇફસ્ટાઇલ અને રાયસણમાંથી સનરાઇઝ બંગોલઝમાંથી એક- એક કેસ પ્રકાશમાં આવ્યા છે.
એનેસ્થેશીયા વિભાગના અમદાવાદથી આવતા વધુ એક ડોક્ટર કોરોના પોઝિટિવ
સિવિલના ડોક્ટરો જીવના જોખમે પરિવારની પરવાહ કર્યા વગર કોરોના વોરિયર્સ બની સેવાઓ આપી રહ્યાં છે. ત્યારે અગાઉ ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા એક ફિઝિશીયન કોરોનામા સપડાયા બાદ ગઇકાલે નવા વાડજમાં રહેતાં અને સિવિલના એનેસ્થેશીયા વિભાગમાં એસઆર તરીકે સેવા આપતો યુવા ડોક્ટર કોરોનાથી સંક્રમિત થયો હતો. છેલ્લા ઘણા દિવસોથી આ યુવાન ડોક્ટરની ડયુટી ન હતી. તેમ છતાં તેના સંપર્કમાં આવેલા આ વિભાગના તેમજ સિવિલના ડોક્ટરોએ આજે ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં એનેસ્થેશીયા વિભાગના એસોસીએટ પ્રો.ડોક્ટરનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ૪૧ વર્ષિય મહિલા ડોક્ટર કોરોનાથી સંક્રમિત થઇ છે. આ મહિલા ડોક્ટર પણ અમદાવાદ નિર્ણયનગરમાં રહેતી હોવાનું સામે આવી રહ્યું છે. સિવિલના ડોક્ટરો એક પછી એક જે રીતે કોરોનામા સપડાઇ રહ્યા છેે તે રીતે સિવિલ સત્તાધિશોની ચિંતા વધી છે.
કુડાસણના પ્રમુખ એક્ઝોટીકામાં રહેતા ડોક્ટર પણ ચેપગ્રસ્ત થયા
ન્યુ ગાંધીનગરમાં અમદાવાદના કારણે કેસ વધી રહ્યાં છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ડેન્ગ્યુ વખતે જે રીતે અમદાવાદ અપડાઉન કરતાં લોકોના કારણે કેસ વધ્યાં હતા તેવી જ રીતે કોરોનામાં પણ અમદાવાદ અપડાઉન કરતાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓથી કેસ વધી રહ્યાં છે. ગાંધીનગરને અડીને આવેલા કુડાસણની પ્રમુખ એકઝોટીકામાં રહેતાં અને અમદાવાદ અસારવા જેવા હોટ સ્પોટ વિસ્તારમાં પોતાનું પ્રાઇવેટ ક્લિનીંક ધરાવતાં ૩૮ વર્ષિય ડોક્ટર કોરોનાથી સંક્રમિત થયા છે. આ ડોક્ટરની પત્નિ પણ ડોક્ટર છે તે વિરમગામમાં મેડિકલ ઓફિસર તરીકે સેવા આપે છે. ન્યુ ગાંધીનગર વિસ્તારમાં વધતાં જતાં કેસથી સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.
ઇન્દિરાનગરમાં વધુ બે કેસઃમાતા-પુત્રી સપડાયાં
વસ્તી ગીચતાની દ્રષ્ટિએ સૌથી મોટા સેક્ટર-૨૪માં અત્યાર સુધી સૌથી વધારે કેસ સામે આવ્યા છે ત્યારે સેક્ટર-૨૪ના ઇન્દિરાનગરમાં સૌથી વધારે વસ્તી છે. ત્યાથી પણ દિવસે અને દિવસે કેસ વધતાં જાય છે. અગાઉ આ ઇન્દિરાનગરમાંથી ૧૨ વર્ષનો બાળક પોઝિટિવ આવ્યો હતો. ત્યારે બે દિવસ પહેલાં આ પોઝિટિવ બાળકના બે ઘર છોડીને રહેતો યુવાન સંક્રમિત થયો હતો. ત્યારે આજે વધુ બે કેસ આ વિસ્તારમાંથી પ્રકાશમાં આવી રહ્યાં છે. આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ૩૮ વર્ષિય માતા અને ૧૯ વર્ષિય પુત્રી સંક્રમિત થઇ છે. જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
યુ એન મહેતામાં ફરજ બજાવતી રાંદેસણની સ્ટાફ નર્સ સપડાઇ
અમદાવાદ કનેક્શનના કારણે હવે ન્યુ ગાંધીનગરમાં પણ કોરોનાએ એન્ટ્રી લઇ લીધી છે ત્યારે આ ન્યુ ગાંધીનગરના સોસાયટી વિસ્તારમાં ગીચ વસ્તીના કારણે સંક્રમણ વધુ ઝડપથી ફેલાવાની દહેશત ઉભી થઇ છે. રાંદેસણમાં આજે વધુ એક કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી યુએનમહેતા હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા અને રાંદેસણની વિનાયક લાઇફ સ્ટાઇલ સોસાયટીમાં રહેતાં કોરોના વોરિયર્સ સંક્રમિત થયા છે. ૫૧ વર્ષિય આ સ્ટાફ નર્સ પોઝિટિવ આવતાં તેમના સંપર્કમાં આવેલા તેમના ઘરના બે સભ્યો તેમજ હોસ્પિટલના છ સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
એપોલો હોસ્પિટલના મહિલા તબીબના પતિ કોરોનાગ્રસ્ત
કોરોનાના આ કપરાકાળમાં પોતાના અને પોતાના ઘરના સભ્યોના જીવના જોખમે ડોક્ટર સહિત મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ આરોગ્યની સેવાઓ આપી રહ્યો છે. આ કોરોના વોરિયર્સ હવે કોરોનામા સપડાઇ રહ્યા છે તો તેમના મારફતે તેમના પરિવારના સભ્યો પણ સુરક્ષિત રહ્યા નથી. આ અંગે આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર નજીક આવેલાં ભાટની એપોલો હોસ્પિટલના મહિલા ડોક્ટર રાયસણની સનરાઇઝ સોસાયટીમાં રહે છે. અહીં તેમના ૫૭ વર્ષિય પતિ પણ રહે છે. ત્યારે છેલ્લા અઠવાડિયામાં આ મહિલા ડોક્ટરના પતિ એપોલો હોસ્પિટલ ગયા હોવાના કારણે તેમને કોરોના થયો હોવાનું સામે આવી રહ્યું છે. આ ૫૭ વર્ષિય પુરુષ પોઝિટિવ આવતાં તેમના ઘરના બે સભ્યોને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ પોઝિટિવ દર્દી છેલ્લા અઠવાડીયામાં બહાર શાકભાજી અને દુધ લેવા ગયો હોવાનું પણ આરોગ્ય વિભાગને જાણવા મળી રહ્યું છે.
સેક્ટર-૮માં રહેતા ૭૨ વર્ષિય વૃદ્ધ કોરોના સંક્રમિત
ગાંધીનગર શહેરના વીઆઇપી ગણાતા સેક્ટર-૮માં અગાઉ બે પોઝિટિવ દર્દીઓ આરોગ્ય વિભાગના ચોપડે ચઢ્યા છે. કેન્સર ઇન્સ્ટીટયુટમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટર અને તેનાથી સંક્રમિત તેનો પતિ અગાઉ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે સેક્ટર-૮માંથી વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો છે. સેક્ટર-૮માં રહેતાં વૃદ્ધ કોરોનામાં સપડાયાં છે. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે સેક્ટર-૮માં આ રહેતા આ વૃદ્ધ છેલ્લા ઘણા દિવસોથી બિમાર છે. તેમને હાઇપરટેશન અને ડાયાબીટીસની તકલીફ છે પરંતુ છેલ્લા ઘણા વખતથી તેઓ બહાર ગયા નથી કે બહારના વ્યક્તિ જોડે કોઇ સંપર્કમાં પણ આવ્યા નથી. ત્યારે આ વૃદ્ધને ચેપ ક્યાંથી લાગ્યો તે આરોગ્ય તંત્ર માટે પણ તપાસનો વિષય બની ગયો છે. હાલ કોર્પોરેશને આ પોઝિટિવ વૃદ્ધના પરિવારના ચાર સભ્યોને કવોરેન્ટાઇન કર્યા છે અને ચેપ ક્યાંથી લાગ્યો તે શોધી રહ્યાં છે.
અમદાવાદ સિવિલની સે-૪માં રહેતી નર્સ કોરોના પોઝિટિવ
હોસ્પિટલોમાં આરોગ્યની સેવા આપતાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કોરોના વોરિયર્સ તરીકે અડીખમ ઉભા છે. ત્યારે ડોક્ટર અને નર્સ સપડાવાનો સીલસીલો શરૂ થયો છે. ગાંધીનગર શહેરમાં રહેતા અને અમદાવાદ સિવિલ સહિત અન્ય હોસ્પિટલોમાં ફરજ બજાવતાં મેડિકલ સ્ટાફથી ગાંધીનગરમાં કેસ વધી રહ્યાં છે. ગાંધીનગર શહેરમાં સેક્ટર-૪માં રહેતી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી ૩૦ વર્ષિય યુવતિ કોરોનામા સપડાઇ છે. હોસ્પિટલમાં કામ કરતી હોવાના કારણે આ નર્સને સંક્રમણ થયું હોવાનું પ્રાથણિક તારણ આરોગ્ય વિભાગે કાઢ્યું છે. આ પોઝિટિવ નર્સના પરિવારમાં રહેતા સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.