તારાપુરની હોટેલમાં જમવાની બાબતે 8 શખ્સોની તોડફોડ

- હાઈવેની હોટેલો ઉપર લુખ્ખા તત્વોનો આતંક
- ગાડી અને બાઈક પર આવેલા શખ્સોએ ધોકા અને પાઈપોથી ટીવી, ટેબલો તોડયા
મૂળ ખંભાત ખાતે રહેતા અરુણભાઈ કાભઈભાઈ ગોહિલ જયરાજભાઇ રમણભાઈ જોશીની તારાપુરના કસબારા પાસે આવેલી શ્રી ખોડિયાર હોટલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના પત્ની અને પિતા સાથે ત્યાં જ રહે છે. તેમના પિતા હોટેલ બહાર ગલ્લો ચલાવે છે. ત્યારે રાતે ૧૧ કલાકે હોટેલ બંધ કરી હતી. ત્યારે પોણા બાર વાગ્યાના આસપાસ બાઈક પર આવેલા ત્રણ શખ્સો ગલ્લા પર બેઠેલા કાભઈભાઈ અને તેમના મિત્ર વિઠ્ઠલભાઈ સાથે જમવા બાબતે માથાકૂટ કરતા હતા. ત્યારે અરૂણભાઈ ત્યાં આવતા અમારે જમવાનું છે તેમ કહેતા હોટેલ બંધ થઈ ગઈ છે આગળ બીજે હોટેલે જતા રહો તેમ કહી અરૂણભાઈ હોટેલમાં જતા રહ્યા હતા. દરમિયાન કારમાં પાંચ શખ્સો આવ્યા હતા. બાદમાં કાભઈભાઈ સાથે જમવા બાબતે ઝપાઝપી કરતા બૂમાબૂમ થઈ હતી. ત્યારે અરૂણભાઈએ પિતાને હોટેલમાં બોલાવી બારણું બંધ કરી દીધું હતું. બાદમાં આઠ શખ્સોએ ધોકા અને પાઈપોથી હોટેલનું ટીવી, સાત ટેબલો અને ગલ્લાના ડ્રોવરની તોડફોડ કરી રૂા. ૩૯ હજારનું નુકસાન કરી રાહુલ ભટ્ટ જોડે પંગો લેશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે અરુણકુમાર ગોહિલે તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના માધ્યમથી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

