સુરતના મહિધરપુરા વિસ્તારમાં 8 ગણેશ પંડાલમાંથી ચોરી થતાં ભક્તોમાં રોષ, બે આરોપીની ધરપકડ
AI Image |
Surat Crime News: સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા 8 ગણેશ પંડાલોમાં એક સાથે ચોરી થતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અજાણ્યા બે શખ્સો દ્વારા રાત્રિના સમયે પંડાલોમાં ઘૂસીને પૂજાના સાધનો અને અન્ય કીમતી વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિધરપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલા 8 ગણેશ પંડાલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મોડી રાત્રે બે શખ્સો ગણેશ પંડાલમાં પ્રવેશ્યા અને ચાંદીની મૂર્તિ, દીવા, રોકડ અને સાધનોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. ફૂટેજમાં બે શખ્સો ચોરી કરતા નજરે પડ્યા છે, જેના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દતાણી અને સોહીલ સાઈ દતાણીની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં વધુ પૂછપરછ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ચોરીની ઘટનાની જાણ થતાં ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટ ઘટનાસ્થળે દોડ્યા
ચોરીની ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય કાંતિભાઈ બલર અને સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી અને પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 'આવી પવિત્ર જગ્યાએ ચોરી થવી એ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે પોલીસને વિનંતી કરી છે કે તેઓ ઝડપથી આરોપીઓને પકડી પાડી કડકમાં કડક સજા આપે.'