તલાટીની પરીક્ષામાં 17 લાખમાંથી 8.65 લાખ ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા, 7મી મેના રોજ પરીક્ષા લેવાશે
જે ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યાં છે તેઓ કોલલેટર ડાઉનલોડ કરી શકશે
સંમતિ પત્રક નહીં ભરનારને પરીક્ષા ફી પાછી આપવામાં આવશે નહીં

ગાંધીનગરઃ આગામી સાતમી મેના રોજ તલાટીની ભરતી પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે આજે સંમતિ પત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો. ઉમેદવારો માટે હવે સંમતિ પત્રક ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. જે ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે તેઓ જ આગામી સમયમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તેમજ જેમને સંમતિ પત્ર નથી આપ્યુ એમને ફી પરત આપવામાં આવશે નહી. ગત પરીક્ષા જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જે કેન્દ્ર ઉપલબ્ધ થયા છે એમાથી શ્રેષ્ઠ કેન્દ્રોનો ઉપયોગ કરીશું.
સંમતિ પત્રક નહીં ભરનારને ફી પાછી નહીં મળે
પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આજે તલાટીની પરીક્ષા માટે સંમતિ પત્રક ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે અને જે લોકોએ આ સંમતિ પત્રક ભર્યા છે તેઓ જ આગામી સમયમાં પરીક્ષા માટે કોલ લેટર ડાઉન લોડ કરી શકશે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 17 લાખથી વધુ લોકોએ તલાટીની પરીક્ષા માટેના ફોર્મ ભર્યાં છે તેમાંથી 8 લાખ 65 હજાર ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે. બાકીના લોકોને પરીક્ષાની ફી પરત આપવામાં આવશે નહીં તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે.
ડમી ઉમેદવારો સામે ત્વરીત પગલા લેવાશે
તેમણે ડમી ઉમેદવારને લઈને કહ્યું હતું કે, ડમી ઉમેદવારો સામે ત્વરીત પગલા લેવાશે. આ ઉપરાંત ભૂતકાળના ડમીકાંડ વિશે પણ માહિતી મળશે તો કાર્યવાહી થશે. તેમજ આગામી સમયમાં પરીક્ષામાં ગેરરીતિને ચલાવી નહીં લેવામાં આવશે. જે પણ કોઈ ગેરરીતિ કરતાં પકડાશે તેને માટે સરકારે કાયદો બનાવ્યો છે તેના હિસાબે પગલાં ભરવામાં આવશે.

