અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ટ્રેક પર 2027થી વંદે ભારત ટ્રેન દોડાવાશે, સ્પીડ જાણી ચોંકશો
Bullet Train Project News : દેશના અત્યંત મહત્ત્વકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ કોરિડોરમાં જાપાનીઝ બુલેટ ટ્રેનને સ્થાને સ્વદેશી ટેકનિકથી સજ્જ એવી સેમિ હાઇ સ્પીડ વંદે ભારતને દોડાવવામાં આવશે. ભારતીય રેલની આ પ્રથમ વંદે ભારત ટ્રેન હશે, જે 250 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે 320 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ બુલેટ ટ્રેન ક્યારથી દોડશે તે અંગે હવે નિર્ણય લેવામાં આવશે.
હાલ 60% કામગીરી પૂર્ણ
હાલ બુલેટ ટ્રેનના ટ્રેકમાં 60 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ કોરિડોરના સુરત-બિલિમોરાના 50 કિલોમીટરના સેક્શનની કામગીરી અંતિમ તબક્કામાં છે. હવે આ વર્ષના અંત સુધીમાં વંદે ભારતનું ટ્રાયલ રન શરુ કરી દેવામાં આવશે.
8-8 કોચની વંદે ભારત ટ્રેન દોડાવાશે
આ પછી વર્ષ 2027 સુધીમાં વંદે ભારત-સીટિંગ ટ્રેનથી સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. 8-8 કોચની બે વંદે ભારત ટ્રેન દોડાવાશે. જેમાં મહત્તમ ઝડપ 280 કિલોમીટર પ્રતિ કલાકની છે પણ તે 250 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડશે. અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ માટે જે એમઓયુ થયા હતા તેમાં જાપાનની બુલેટ ટ્રેનની કિંમત અંદાજે 16 કરોડ રૂપિયા પ્રતિ કોચની કિંમત નક્કી કરાઈ હતી. પરંતુ ગયા વર્ષે જાપાને તેની કિંમતમાં ત્રણ ગણો વધારો કરી દીધો હતો. ભારતને બુલેટ ટ્રેન આપતી વખતે જાપાને પ્રતિ કોચ 50 કરોડ લેવાનો નિર્ણય લીધો હતો. આ 16 કોચ બુલેટ ટ્રેન ભારતને 800 કરોડ રૂપિયામાં પડશે.
2028 સુધીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂૃર્ણ થવાનો અંદાજ
સૂત્રોના જણાવ્યાનુસાર બુલેટ ટ્રેન માટેના હાઇસ્પીડ કોરિડોરનું બાંધકામ 2028 સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે. બુલેટ ટ્રેન સંપૂર્ણપણે દોડતી ન થાય ત્યાં સુધી 250 કિ.મી. કલાકની ઝડપે વંદે ભારત ટ્રેનથી ત્રણ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જવાશે અને જેનાથી હજારો લોકોને લાભ થશે.