Thangadh Surendranagar News : સુરેન્દ્રનગરના થાનના નળખંભા માંથી 620 લીટર દેશી દારૂ ઝડપાયો છે. બુટલેગરે પાણીના ટાંકામાં દારૂ સંતાડયો હતો. દરોડામાં માત્ર દારૂનો જથ્થો ઝડપાયો હતો અને આરોપી નહીં પકડાતાં પોલીસની કારમીગીરી પર સવાલ થઈ રહ્યા છે.
થાનમાં પાણીના ટાંકામાંથી ઝડપાયો 620 લીટર દેશી દારૂ
મળતી માહિતી મુજબ, થાન પોલીસે બાતમીના આધારે નળખંભા ગામની રાતડિયા તરીકે ઓળખાતી સીમમાંથી ગોવિંદભાઈ ભીમાભાઈ સારલાની વાડીમાં મકાનની બાજુમાં આવેલી ખરાબાની જગ્યામાં દરોડો પાડયો હતો. જેમાં પાણી સંગ્રહ કરવાના ટાંકામાં સંતાડેલો રૂ.1.24 લાખની કિંમતનો 620 લીટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
પોલીસ દ્વારા ઘટનાસ્થળે દરોડા પાડવામાં આવ્યા ત્યારે આરોપી ગોવિંદભાઈ સારલા હાજર મળી ન આવતા થાન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, થાન તાલુકામાંથી છેલ્લા ચાર પાંચ દિવસમાં દારૂ અને ખનીજ ચોરીની અનેક રેઇડ કરવામાં આવી છે, પરંતુ એક પણ રેઇડમાં આરોપી ન ઝડપાતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.


