Gujarat

અમરેલી: લાઠી-હરસુરપુર દેવળીયા માર્ગ પર અચાનક રોજડું આડું ઉતરતા બાઈકચાલક આધેડનું મોત

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
અમરેલીના લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક લઈને પસાર થઈ રહેલા એક આધેડ આડે અચાનક રોજડું ઉતરતા દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં ગંભીર ઈજાઓ થવાના કારણે આધેડનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: લાઠી-હરસુરપુર દેવળીયા માર્ગ પર અચાનક રોજડું આડું ઉતરતા બાઈકચાલક આધેડનું મોત

Amreli News : અમરેલીના લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક લઈને પસાર થઈ રહેલા એક આધેડ આડે અચાનક રોજડું ઉતરતા દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં ગંભીર ઈજાઓ થવાના કારણે આધેડનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

લાઠી-હરસુરપુર દેવળીયા માર્ગ પર બાઈક ચાલકને નડ્યો અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, ખાખરીયા ગામના વતની અને હાલ લાઠીના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ બટુકભાઈ ગાભવા(ઉં.વ.55) પોતાનું મોટરસાયકલ લઈને હરસુરપુર દેવળીયા ગામથી લાઠી તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર અચાનક એકાએક રોજડું આડું ઉતર્યું હતું. બાઈક સાથે રોજડું અથડાતા ભરતભાઈ રોડ પર ભયંકર રીતે ફંગોળાયા હતા. જેમાં માથા તેમજ શરીરના અન્ય ભાગે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

રોજડું આડું ઉતરતા આધેડનું મોત

સમગ્ર મામલે સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરીને ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. 

આ પણ વાંચો: આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત

આ દુખદ ઘટનાની જાણ થતા મૃતકના સગા-સંબંધીઓ લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટના અંગેની જાણ થતા લાઠી પોલીસનો કાફલો પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.