રિક્ષા ચાલક સહિત ત્રણ શખ્સ સામે ફરિયાદ
ડેરી પાસે વૃદ્વે ઉતારવાનું કહેતા તુલજા માતાના મંદિર આગળ રિક્ષા ઉભી રાખીને ઉતારી દીધા હતા
બોરસદના ખાનપુર ખાતે રહેતા સોમાભાઈ મોતીભાઈ પરમાર ગત તારીખ ૨૮મી ઓક્ટોબરના રોજ પોતાના દીકરા સાથે ખાનપુરથી બાઈક ઉપર સવાર થઈ રણોલી ગામે બેંક માં આવ્યા હતા જ્યાં બેંકમાંથી તેઓએ રૂપિયા ૫૦ હજાર ઉપાડી પિતા - પુત્ર રણોલીથી બાઇક ઉપર ખાનપુર ચોકડી ખાતે પહોંચ્યા હતા. દરમિયાન દીકરાને નોકરીએ જવાનું મોડું થતું હોવાથી પિતાને ખાનપુર ચોકડી ખાતે ઉતારી પુત્ર નોકરી ઉપર જવા નીકળી ગયો હતો બીજી તરફ સોમાભાઈ પરમાર ચાલતા ચાલતા ખાનપુર ગામ તરફ જતા હતા ત્યારે પાછળથી એક રિક્ષા આવી ચડી હતી અને રિક્ષા ચાલકે સોમા ભાઈને રિક્ષામાં બેસવાનું કહેતા તેઓ રિક્ષામાં બેસી ગયા હતા રિક્ષામાં પહેલેથી જ બે શખ્સો પાછળની સીટમાં સવાર હતા. રિક્ષા ચાલકે ખાનપુર ગામના ગેટથી સ્વામિનારાયણ મંદિર થઈ દૂધની ડેરીએ પહોંચતા સોમાભાઈએ રિક્ષા ઉભી રાખવાનું કહ્યું હતું પરંતુ ચાલકે આગળ જઈ તુલજા માતાના મંદિરથી આગળ સોમાભાઈને ઉતારી દઈ રિક્ષા લઇ ફરાર થઈ ગયા હતા. સોમાભાઈને શંકા જતા તેઓએ પોતાના ખિસ્સામાં તપાસ કરતાં ૫૦,૦૦૦ રૂપિયા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓએ આ અંગે વીરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષા ચાલક તથા અન્ય બે સક્ષો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- બે શખ્સોને ધરપકડ : રિક્ષા અને રોકડ જપ્ત
આ મામલે વિરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પેટલાદના દેવકુવા ભાગોળ ખાતે રહેતા જલાલુદૃીન ઉર્ફે જલાલ ઉર્ફે માંકડો નસરૂદીન મલેક અને જિયાયુદૃીન મયુદૃીન મલેકને ઝડપી પાડયા હતા. તેમની રિક્ષા તથા રોકડા રૂપિયા ૫૦ હજાર કબજે લઈ અન્ય શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


