Get The App

ગુજરાતમાં 50 ટકા સરકારી ઇજનેરી કૉલેજોમાં કોમ્પ્યુટર-AIના અઘ્યાપકો જ નથી

Updated: Sep 16th, 2024

GS TEAM


Google News
Google News
Engineering Colleges


Government Engineering Colleges: અમદાવાદમાં સરકાર દ્વારા બે વર્ષ પહેલા કોમ્પ્યુટર, આઇટી, એઆઇ, ડેટા સાયન્સ, રોબોટિક્સ જેવી ઇમર્જિંગ ગણાતી ટોપ બ્રાંચોમાં બેઠકો વધારવા સાથે વિવિધ સરકારી ડિગ્રી-ડિપ્લોમા કૉલેજોમાં રિસ્ટ્રકચરિંગ કરવામાં આવ્યું હતું. જેના લીધે બેઠકો વઘુ ભરાવા સાથે સરકારી ડિગ્રી-ડિપ્લોમા કૉલેજોમાં વિદ્યાર્થીઓ વઘ્યા છે, પરંતુ આ બ્રાંચોમાં પૂરતા અઘ્યાપકો જ ન હોવાથી વિદ્યાર્થીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે અને હાલ વિદ્યાર્થીઓ આ બ્રાંચોમાં અઘ્યાપકો વગર જ ભણી રહ્યા છે. સરકારી ડિગ્રી ઇજનેરી કૉલેજોમાંથી 50 ટકા ઇજનેરી કૉલેજોમાં કોમ્પ્યુટર, આઇટી, એઆઇ, ડેટા સહિતની ટોપ બ્રાંચોમાં અઘ્યાપકો જ નથી.

ટોપ બ્રાંચોમાં અઘ્યાપકો ન હોવાથી કૉલેજોને કોર્સમાં એક્રેડિટેશન મળે તેમ નથી

ગુજરાતમાં 16 સરકારી ડિગ્રી ઇજનેરી કૉલેજો છે. જેમાંથી ભરૂચ કૉલેજમાં કોમ્પ્યુટરની 75 બેઠકો સામે ઝીરો, ભાવનગરમાં આઇટીની 75 બેઠકોમાં ઝીરો તેમજ ગાંધીનગર કૉલેજમાં રોબોટિક્સમાં 75 બેઠકો સામે ઝીરો અઘ્યાપક છે. આ ઉપરાંત પાલનપુરમાં કોમ્પ્યુટરની 75 બેઠકો સામે ઝીરો, રાજકોટમાં એઆઇ એન્ડ ડેટા સાયન્સની 75 બેઠકો સામે ઝીરો, રોબોટિક્સ ઍન્ડ ઓટોમેશનમાં 75 બેઠકો સામે ઝીરો, સુરતમાં કોમ્પ્યુટરની 75 બેઠકો સામે ઝીરો અને અમદાવાદની એલડી કૉલેજમાં એઆઇ એન્ડ મશીન લર્નિંગની 75 બેઠકો સામે ઝીરો બેઠકો છે.

આ પણ વાંચો: મેડિકલ કમિશને જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે રાજ્ય બહારના પરીક્ષકો વાયવા લેશે

આ ઉપરાંત અમદાવાદની એલડી કૉલેજમાં રોબોટિક્સમાં પણ એકેય અઘ્યાપક નથી. જ્યારે ચાંદખેડાની વીજીઈસી સરકારી કૉલેજમાં કોમ્પ્યુટરમાં 75 અને આઇટીમાં 75 તથા ઈસીમાં ઈઆઇ બ્રાંચમાં 38 બેઠકો સામે એક પણ અઘ્યાપક નથી. આ ઉપરાંત સરકારી પોલેટેક્નિકમાં ભરૂચ, ખેડા, સુરત અને હિંમતનગર સહિતની કૉલેજોમાં પણ કોમ્પ્યુટર, આઇટી, રોબોટિક્સ, સહિતની ટોપ ઇમર્જિંગ બ્રાંચોમાં પૂરતા અઘ્યાપકો જ નથી. 

કાઉન્સિલ દ્વારા ઇમર્જિંગ બ્રાંચોમાં અઘ્યાપકો ન મળતાં યુનિવર્સિટીઓને અન્ય બ્રાંચોમાંથી અઘ્યાપકો લેવાની છૂટ આપી છે પરંતુ તે અઘ્યાપકોને ટ્રેનિંગ આપવી પડે તેમ છે ત્યારે ટ્રેનિંગ પણ અપાઈ નથી.

કૉલેજોમાં પૂરતો સ્ટાફ ન હોવાથી કોર્સ પૂરો ન થયો હોવાની પણ ફરિયાદ 

હાલ મોટા ભાગની સરકારી ડિગ્રી-ડિપ્લોમા કૉલેજોમાં આ ટોપ બ્રાંચોમાં અન્ય બ્રાંચોના અઘ્યાપકો ભણાવી રહ્યા છે. જેથી એ બ્રાંચોમાં પણ સ્ટાફની મુશ્કેલી પડી રહી છે. હાલ કેટલીક કૉલેજોમાં તો શિક્ષણમાં નાઇટ વોચમેન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ સુરતની સરકારી ડિપ્લોમા કૉલેજમાં આઓસીટીનો પૂરતો સ્ટાફ જ ન હોવાની કોર્સ પૂરો ન થયો હોવાની વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ પણ પ્રવેશ સમિતિને તેમજ ટેકનિકલ શિક્ષણ વિભાગને કરવામાં આવી છે. પૂરતો સ્ટાફ ન હોવાથી કેટલીક કૉલેજોને તો હવે નેશનલ બોર્ડ ઑફ એક્રેડિટેશનની માન્યતા મેળવવામાં પણ મુશ્કેલી પડે તેમ છે.

આ પણ વાંચો: ભૂમાફિયાઓ કરોડો રૂપિયા ઓળવી ગયા, સ્વામિનારાયણ સંસ્થાના જમીન કૌભાંડની તપાસ CID ક્રાઇમ કરશે

વિદ્યાર્થીઓને મોટું નુકસાન   

હાલ અઘ્યાપકો ન હોવાથી અને લેબમાં પૂરતા સાધનો ન હોવાથી વિદ્યાર્થીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. અનેક વિદ્યાર્થીઓ તો કંટાળીને ભણવાનું પણ છોડી દેતાં હોય છે, ત્યારે આ સ્થિતિમાં સરકારે ડિગ્રી-ડિપ્લોમા કૉલેજોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અઘ્યાપકો મૂકવા પડશે. બીજી બાજુ જીટીયુ જે રીતે ખાનગી કૉલેજોને સ્ટાફના અભાવે નો એડમિશન ઝોનમાં મૂકે છે તે રીતે સરકારી કૉલેજોમાં પૂરતો સ્ટાફ ન હોય તો કેમ પ્રવેશની મંજૂરી આપી દેવાય છે તે પણ વિચારવા જેવું છે. 

ગુજરાતમાં 50 ટકા સરકારી ઇજનેરી કૉલેજોમાં કોમ્પ્યુટર-AIના અઘ્યાપકો જ નથી 2 - image

Tags :