સુરતમાં ગેરલાયક ઠરેલી સિક્યુરિટી એજન્સીને AMCએ આપ્યો કરોડોનો કોન્ટ્રાક્ટ, ટોળાને આવતા રોકવા બાઉન્સર મુકાશે
AI Image |
Security Agency Contract : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એક વખત વિવાદીત નિર્ણય લેવાયો છે. સુરતમાં લેબર વિભાગનુ બોગસ લાયસન્સ મુકી સિક્યુરિટી કોન્ટ્રાકટ મેળવવાનો પ્રયાસ કરનારી ચાર એજન્સીઓને ડિસ્કવોલીફાય કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી. આમ છતાં આ ચાર એજન્સીઓ સહિત કુલ 15 એજન્સીઓને અમદાવાદ કોર્પોરેશનના વિવિધ વિભાગો માટે સિક્યુરિટી,ગનમેન અને બાઉન્સર મળીને કુલ 2450 લોકોની એક વર્ષ માટે સેવા લેવા રૂપિયા 50 કરોડનો ખર્ચ કરાશે. આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે. સિક્યુરિટી વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાઘ્યાયે કહયુ, હાલ આ મેટર સબજયુડીસ છે. મેટર સબજયુડીસ હોવા છતાં દરખાસ્ત મંજૂર કરાઈ છે.
2450 સિક્યુરિટી, ગનમેન, બાઉન્સરને મંજૂરી
મ્યુનિસિપલ કોર્પોરેશન એ લોકોને પ્રાથમિક સુવિધા પુરી પાડતી સંસ્થા છે. મહાનગર સેવાસદન જેવા રૂપાળા બોર્ડ લગાવાયા છે.ગરીબ,સામાન્ય મઘ્યમ વર્ગના લોકોથી લઈ ધનાઢય લોકો પણ તેમના કામ માટે કોર્પોરેશનની વિવિધ કચેરીઓમાં રોજબરોજ જતા હોય છે.સુરત ખાતે પાલિકાની મિલકતોની સલામતી માટે સિક્યુરિટી સ્ટાફ પુરો પાડવા 44 કરોડનુ ટેન્ડર કરાયુ હતુ. આ ટેન્ડર મેળવવા લેબર વિભાગનુ બોગસ લાયસન્સ રજુ કરનારી ત્રણ એજન્સી સહીત ચારને ડિસ્કવોલીફાય કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરાઈ હતી.
આ ઉપરાંત ત્રણ એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી.એમ.કે.સિક્યુરિટી, શકિત પ્રોટેકશન, શકિત સિક્યુરિટી અને શિવ સિક્યુરિટી સર્વિસે બનાવટી દસ્તાવેજો રજૂ કરી લેબર લાયસન્સ મેળવ્યું હતું. સુરત કોર્પોરેશને એમ.કે., શકિત સિક્યુરિટી અને શકિત પ્રોટેકશન ફોર્સના લાયસન્સ રદ કર્યા હતા. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કુલ 15 એજન્સી ક્વોલિફાય થઈ હોવા છતાં છ એજન્સીને ચિઠ્ઠી ઉછાળી કામ આપવાની દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ હતી. પાછળથી કમિટીએ તમામ 15 એજન્સીને સરખાભાગે ગાર્ડ,બાઉન્સરની ફાળવણી કરવા સાથે દરખાસ્ત મંજૂર કરી હતી. વિપક્ષનેતાએ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલી દરખાસ્તનો વિરોધ કરતા લોકોને કોર્પોરેશન સેવાથી વિમુખ કરવાનુ કૃત્ય ગણાવ્યુ છે.
આ પણ વાંચો: ભ્રષ્ટ GPCBનું 'પાપ' ઉઘાડું પડ્યું, શુદ્ધિકરણના બહાને કરોડો વાપર્યા છતાં ગુજરાતની 13 નદી પ્રદૂષિત
કોર્પોરેશનમાં દેખાવ કરવા લોકોના ટોળા આવે છે એટલે બાઉન્સર મૂકવા પડે છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીના સી-બ્લોકમાં અવારનવાર વિવિધ પ્રશ્નોને લઈ દેખાવ કરવા લોકોના ટોળાં આવતા હોવાથી પ્રવેશદ્વાર ઉપર બાઉન્સર મુકવા પડતા હોવાનુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ મિડીયા સમક્ષ કહયું હતું.
ગરજ સરી, વૈદ વેરી
અમદાવાદ મહાનગરપાલિકામાં પ્રજા અને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેનો સંબંધ "ગરજ સરી, વૈદ વેરી" જેવો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનની ચૂંટણી સમયે, મત મેળવવા માટે કોર્પોરેટરો અને ઉમેદવારો પ્રજાના ઘરે ઘરે ફરીને તેમના દુઃખ-દર્દ સાંભળે છે અને સમસ્યાઓ ઉકેલવાના વાયદા કરે છે. પરંતુ, એકવાર ચૂંટણી પૂરી થાય અને સત્તા મળે, પછી આ ચિત્ર સાવ બદલાઈ જાય છે.
પ્રજા જ્યારે પોતાની સમસ્યાઓ લઈને ચૂંટાયેલા કોર્પોરેટરો, મેયર કે પાલિકાની કચેરીએ પહોંચે છે, ત્યારે તેમને સાંભળવાને બદલે તેમને રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાઉન્સરોની વ્યવસ્થા ગોઠવવાની કવાયત હાથ ધરાઈ છે. આ વ્યવસ્થા સ્પષ્ટપણે દર્શાવે છે કે સત્તા પર આવ્યા પછી જનપ્રતિનિધિઓ પ્રજાથી કેટલા વિમુખ થઈ જાય છે.
આ પરિસ્થિતિ લોકશાહી માટે ચિંતાજનક છે. જે પ્રજાના વોટથી તેઓ સત્તાના સિંહાસન પર બિરાજે છે, તે જ પ્રજાને પોતાની સમસ્યાઓ રજૂ કરવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. આવી ઘટના પ્રજામાં રોષ અને અવિશ્વાસ પેદા કરી રહી છે. શું જનપ્રતિનિધિઓ પ્રજાના સેવક નથી, પણ તેમના શાસક બની ગયા છે? તેવા સવાલ પણ ઉઠે છે.