ગુજરાતમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો ભોગ: આંકલાવમાં 5 વર્ષની બાળકીનું કાકાના મિત્રે બલિ ચડાવી, નદીમાં મૃતદેહની શોધખોળ
Anand News : આણંદના આંકલાવ તાલુકામાં તાંત્રિક વિધિ માટે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બાળકીની બલિ ચડાવી નદીમાં ફેંકી દીધી હોવાની ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
5 વર્ષની બાળકીનું કાકાના મિત્રે અપહરણ કરીને બલિ ચડાવી
મળતી માહિતી મુજબ, આંકલાવ તાલુકાના નવાખલ ગામની બાળકી ગઈકાલે શનિવારે (30 ઓગસ્ટ) મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જોકે, ઘણા સમય બાદ પણ બાળકી ઘરે ન આવતા પરિવારે મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય મળી ન આવતા પરિવારે અંતે આંકલાવ પોલીસમાં જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં તાંત્રિક વિધિ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને લઈને પોલીસને બાળકીના કાકાના મિત્ર અજય પથિયાર પર શંકા જતાં તેની પૂછપરછ કરી હતી. જેમાં અજયે જણાવ્યું હતું કે, 'હું તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો. જેમાં ભુવાએ તાંત્રિક વિધિ કરવા માટે બાળકીની બલિ આપવાનું કહેલું.'
આ પણ વાંચો: રિસામણે આવેલી સાળીના પતિની સાઢુભાઈએ કરી હત્યા, જામનગરમાં બની ઘટના
અજયે બાળકીનું અપહરણ કર્યું હતું અને તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કરીને તેની મૃતદેહને સિંઘરોટ નાની નદીના બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને તાંત્રિક વિધિમાં અન્ય સામેલ આરોપીને લઈને તપાસ હાથ ધરી છે. જ્યારે નદીમાં NDRFની ટીમ દ્વારા બાળકીને શોધવાની કામગીરી શરૂ છે.