Gujarat

નડિયાદના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહીં ભરતા 5 દુકાનો સીલ

By GS Team
16 Dec 20252 mins read
નડિયાદના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહીં ભરતા 5 દુકાનો સીલ

- મહાનગરપાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ તેજ 

- અન્ય 14 દુકાનોના માલિકો પાસેથી રૂપિયા 2.51 લાખનો વેરો વસૂલાયો, હજુ પણ ઝુંબેશ ચાલુ રહેશે

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની બાકી રકમ વસૂલવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી હેઠળ સોમવારે સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં વેરો બાકી હોય તેવી ૫ દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા સ્થળ પર જ અન્ય ૧૪ દુકાનો પાસેથી લાખો રૂપિયાના બાકી વેરાની વસૂલાત કરવામાં આવી હતી.

નડિયાદ મહાનગરપાલિકાના દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી મિલકત વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે તારીખ સોમવારે મ્યુનિસિપલ તંત્રની ટીમ દ્વારા સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં લાંબા સમયથી વેરો ભરપાઈ ન કરનારા મિલકત ધારકો સામે કાર્યવાહી કરતા કુલ ૫ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા. આ સીલ કરાયેલી દુકાનોની કુલ બાકી રકમ ૧,૩૪,૬૧૦ રૂપિયા જેટલી થવા જાય છે. પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે અન્ય મિલકત ધારકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. સીલિંગની કામગીરી દરમિયાન જ તંત્ર દ્વારા સ્થળ પર વસૂલાતની પ્રક્રિયા પણ ચાલુ રાખવામાં આવી હતી, જેમાં અન્ય ૧૪ જેટલી દુકાનોના માલિકોએ પોતાની બાકી રકમ પેટે કુલ ૨,૫૧,૫૩૫ રૂપિયાની ચૂકવણી કરી હતી. આમ, પાલિકાની ટીમે એક જ દિવસમાં લાખો રૂપિયાની વસૂલાત કરી છે અને હજુ પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.


નડિયાદના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહીં ભરતા 5 દુકાનો સીલ | Gujarat Samachar