નર્મદા નદીમાં પૂરના પાણી ઓસર્યા, સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટતા 5 દરવાજા બંધ કરાયા
Narmada News : રાજ્ય સહિત ઉપરવાસના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેને લઈને સરદાર સરોવર ડેમના 5 દરવાજા બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા ડેમ માંથી આજે (3 ઓગસ્ટ) બપોરે 1 વાગ્યાથી પાણી છોડવામાં ઘટાડો કરાયો. જેમાં નર્મદા ડેમની જળ સપાટી 132.20 મીટર પહોંચી છે.
ઉપરવાસમાંથી પાણીની આવક 103709.00 ક્યુસેક થઈ રહી છે. ભારે વરસાદી માહોલ અને પાણીના આવક વધતાં નર્મદા ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતા. જોકે, હવે પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે ડેમના 5 દરવાજા બંધ કરાયા છે. હવે 10 દરવાજા 1.75 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાં લાઈવ સ્ટોરેજ 7421.30 MCM હોવાનું જણાય છે.
નર્મદા ડેમના દરવાજા માંથી પણ પાણી છોડવામાં ઘટાડો કરવામાં આવ્યો છે. સવારે 4 લાખ ક્યુસેક પાણી દરવાજા દ્વારા છોડવામાં આવતું હતું, તે ઘટાડી દેવામાં આવ્યું છે. 10 દરવાજામાંથી 1,00,000 ક્યુસેક અને RBPH માંથી 45,000 મળી કુલ 1,64,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમના RBPHના 6 અને CHPHના 4 ટર્બાઇન શરૂ કરી વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેમજ નદી કિનારા પરથી પાણી ઘટવાનું શરૂ થઈ રહ્યું છે. નદીમાં પાણીની જાવક ઘટતા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના નદી કાંઠા નજીકના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.