અમદાવાદના 44% રોજમદારો પાસે એક સપ્તાહ ચાલે તેટલું જ અનાજ
- આઇઆઇએમ- અમદાવાદના સર્વેક્ષણનું તારણ
- 74% રોજમદારોના પરિવારોની નિયમિત આવક બંધ થતાં 1 સાંધો ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ
અમદાવાદ, શુક્રવાર
છેલ્લા ૨૫ દિવસથી
ચાલી રહેલા લોક ડાઉનને લીધે રોજમદારોની સ્થિતિ વધુ વિકટ બની રહી છે. કેમકે, બહાર નીકળે
તો કોરોનાનો અને ઘરમાં જ પૂરાઇ રહે તો ભૂખ તેમને ભરખી જશે તેવો ભય કોરી ખાય છે. અમદાવાદમાં
૪૪ ટકા રોજમદારોના પરિવારો પાસે હવે માંડ એક સપ્તાહ ચાલે તેટલો અનાજનો પૂરવઠો બાકી
રહ્યો છે.
લોક ડાઉનને પગલે
અમદાવાદના રોજમદારોના પરિવારોના જીવનનિર્વાહની સ્થિતિ કેવી છે તે અંગે ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ
ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં તારણ સામે આવ્યું છે. અમદાવાદના
૫૦૦ રોજમદારોના પરિવારોને આ સર્વક્ષણમાં આવરી લેવાયા હતા. જેના અનુસાર અમદાવાદના રોજમદારોના
૪૦ ટકા પરિવારો અનાજ અથવા દવાના પુરવઠાને લગતી સમસ્યાની ગંભીર ઘટનો સામનો કરી રહ્યા
છે. ૭૪%ની છેલ્લા ઘણા દિવસોથી નિયમિત આવક બંધ
થઇ ગઇ છે. જેના કારણે તેમને આવતા મહિને ભાડું, વીજળી બિલ ચૂકવવામાં સમસ્યા નડી શકે
છે.
આ સર્વેમાં એમ
પણ સામે આવ્યું છે કે કોવિડ-૧૯ના રાહત પેકેજ તરીકે સરકારે તેમના ખાતામાં નાણા જમા થયા
હોવાની ૯૪ ટકા પરિવારોને જાણ પણ નહોતી. સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા ૮૦ ટકા બાળકોને
લોક ડાઉન બાદ આંગણવાડી કે અન્ય સંસ્થા તરફથી અનાજ સંબધિત કોઇ માર્ગદર્શન અપાયું નથી.
આ સર્વેમાં બસ ડ્રાઇવર, રિક્શા ચાલક, રોજમદારો, પ્લમ્બર, શાકભાજીની લારી ચલાવનારા,
સફાઇકર્મીઓને આવરી લેવાયા હતા. આ રીતે રોજ કમાઇને રોજ ખાનારા પરિવારોના લોકોમાંથી ૫૨%ના
ઓછામાં ઓછા એક બાળક સરકારી સ્કૂલ-આંગણવાડીમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું હતું.