અમદાવાદમાં ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં 4 મકાનો ધરાશાયી, 5 ઈજાગ્રસ્ત
Ahmedabad News : સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે અમદાવાદમાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી-પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. તેવામાં અમદાવાદમાં ભારે વરસાદના કારણે દરિયાપુર, બહેરામપુરા, શાહપુરા સહિતના વિસ્તારોમાં 4 મકાનો ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
4 મકાનો ધરાશાયી, 5 ઈજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ભારે વરસાદી માહોલ છે, ત્યારે આજે (7 સપ્ટેમ્બર) દરિયાપુર વિસ્તારમાં અલી કુંભારના ડેલામાં મકાન ધરાશાયી થયું હતું. જેમાં 3 મકાનો ઉપર દીવાલ પડતાં 5 લોકો દટાયા હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનામાં દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ, શહેરના અન્ય વિસ્તારોમાં પણ મકાન ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં માંડવીની પોળ, બહેરામપુરામાં ગૌતમ નગર ચાર રસ્તા પાસે અને શાહપુરમાં પણ મકાન ધરાશાયી થયું હતું.