Get The App

હળવદ અને સાવરકુંડલા પંથકમાં ડૂબી જવાથી 4 બાળકોનાં મોત

Updated: May 30th, 2025

GS TEAM

Google News
Google News
હળવદ અને સાવરકુંડલા પંથકમાં ડૂબી જવાથી 4 બાળકોનાં મોત 1 - image


ચોમાસાનાં આગમન પહેલાં જ જળરાશિ જીવલેણ બની  : કડીયાણા ગામે પાણીનાં ખાડામાં ન્હાવા પડેલા 2 કૌટુંબિક ભાઇઓએ જીવ ગુમાવ્યા, સાવરકુંડલા નજીક ભેસાણીયા ડેમમાં 2 બાળમિત્રો ડૂબ્યા : માસૂમ ભત્રીજાનાં મૃત્યુના આઘાતમાં રોકકળ સમયે ફઈએ દીવાલ પર માથું કૂટવા લાગતાં ઈજા

હળવદ, સાવરકુંડલા, : સૌરાષ્ટ્રમાં ચોમાસાનાં આગમન પહેલા જ જળરાશિ જીવલેણ બનવા લાગી છે. આજે હળવદ અને સાવરકુંડલા પંથકમાં ડૂબી જવાથી 4 બાળકોનાં મોત નીપજ્યા હતા. જેમાં કડીયાણા ગામે પાણીનાં ખાડામાં ન્હાવા પડેલા બે કૌટુંબિક ભાઇઓએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે સાવરકુંડલા નજીક ભેસાણીયા ડેમમાં બે બાળમિત્રો ન્હાતી વખતે ડૂબી ગયા હતા. વળી, સાવરકુંડલામાં ભત્રીજાનાં મૃત્યુના આઘાતમાં રો-કક્કડ સમયે ફઈએ દીવાલ પર માથું કૂટવા લાગતા ઈજા થવાથી હોસ્પિટલે ખસેડવા પડયા હતા.

પ્રથમ ઘટનામાં હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા બે કૌટુંબિક ભાઈઓ આદિત્ય મુન્નાભાઈ રાતડીયા (ઉં. 13) અને પ્રિન્સ મુકેશભાઈ રાતડીયા (ઉં. 12) આજે સવારે પોતાના દાદા સાથે ખેતરે ગયા હતા. જ્યાં દાદા ખેતીકામ કરવા લાગ્યા હતા અને બન્ને ભાઈઓ રમતા-રમતા ખેતરની બાજુમાંથી પસાર થતા વોંકળાના ખાડામાં ભરાયેલા પાણીમાં ન્હાવા પડયા હતા. આ દરમિયાન અચાનક બન્ને ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ત્યાં બાજુમાં રમતા તેમના સાથી  મિત્રએ બુમાબુમ કરી હતી. જેથી બન્ને બાળકોના દાદા તથા અને ખેડૂતો અને ગ્રામજનો દોડી આવ્યા હતા અને ખુબ જહેમતના અંતે બન્ને બાળકોને પાણીમાંથી બહાર કાઢીને ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે, ત્યાં બન્નેને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.

બીજા બનાવમાં સાવરકુંડલા નજીક ભેસાણીયા ડેમમાં આજે બપોરના 1.30 વાગે કેટલાક બાળકો ન્હાવા ગયા હતા. આ દરમિયાન ઉંડા પાણીમાં ખેંચાઈ જતાં કૃણાલ અશ્વિનભાઈ સોલંકી (ઉં. 14) અને મંત્ર રાજદીપભાઈ મશરાણી (ઉં. 10)નું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે મોહિત મનીષભાઈ સોલંકી નામનાં બાળકનો આબાદ બચાવ થયો હતો. આ બાળકો સાવરકુંડલાના જેસર રોડ પર રહે છે. આ સમયે મૃતક કુણાલ સોલંકીના ફઈને ખુબ આઘાત લાગ્યો હતો અને રો-કક્કડ સમયે દીવાલ પર માથું કૂટવા લાગતા ઈજા થવાથી સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડયા હતા. મૃતક કૃણાલ તેના માતા-પિતાનું એકનું એક સંતાન હતો. તેના પિતા કડિયા કામ કરે છે. વળી, આવતીકાલે ધોરણ 9માં ભણવા માટે મોટા લીલીયા જવાનો હતો. જ્યારે મંત્રના પિતા કેટરિંગનું કામ કરે છે. તેમના પરિવારમાં એક નાની બહેન છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 

Tags :