'કામ નહીં કરો તો પદ છીનવાશે', ગુજરાતમાં કોંગ્રસના નેતાઓને હાઇ કમાન્ડનું 90 દિવસનું અલ્ટીમેટમ
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ દ્વારા તેના નવનિયુક્ત શહેર અને જિલ્લા પ્રમુખો માટે જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં એક વિશેષ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાષ્ટ્રીય શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કડક શબ્દોમાં કહ્યું હતું કે 'જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે'. તેમના આ નિવેદનનું પુનરાવર્તન કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલે પણ કર્યું હતું અને પક્ષના નેતાઓને આડકતરી રીતે અલ્ટીમેટમ આપી દીધું હતું.
પર્ફોમન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટીમેટમ
આજે (12 સપ્ટેમ્બર) કોંગ્રેસના કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. વેણુગોપાલે શિબિરમાં હાજર પ્રમુખોને સંબોધિત કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે પ્રમુખો કામ નહીં કરે, તેમના પદ છીનવી લેવામાં આવશે. તેમણે પર્ફોમન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. 41 શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી 9 પ્રમુખોના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને નેતાઓને સડેલી કેરી સાથે સરખાવ્યા હતા, જે આખી ટોપલીને ખરાબ કરી શકે છે.
પ્રતાપ દૂધાતની ગેરહાજરી
આ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની ગેરહાજરી જોવા મળી હતી. સતત બીજી શિબિરમાં તેમની ગેરહાજરીને કારણે હાઇકમાન્ડમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. વેણુગોપાલે પણ આ અંગે ટિપ્પણી કરતાં કહ્યું કે જે લોકો કામ કરશે તેમને પ્રોત્સાહન મળશે, અને જે લોકો કામ નહીં કરે તેમની પાસેથી હોદ્દો પાછો ખેંચી લેવામાં આવશે.
આ શિબિરમાં પ્રમુખોને પક્ષની નીતિઓ, સંગઠનલક્ષી કાર્યક્રમો, અને લોકો સુધી પહોંચવા માટેની રણનીતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખડગેનું આ કડક વલણ પક્ષમાં શિસ્ત અને કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરોનું આયોજન
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જૂનાગઢમાં આજ(10 સપ્ટેમ્બર)થી 19 સપ્ટેમ્બર સુધી 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે. આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારું પાર્ટીનું આ બીજું પ્રશિક્ષણ શિબિર છે. જેમાં પહેલું પ્રશિક્ષણ શિબિર ગત જુલાઈ મહિનામાં આણંદમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી. આ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને પાર્ટીના 'મિશન 2027' માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે તાજેતરમાં 2027ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે.