ધ્રાંગધ્રામાં સાયબર ફ્રોડના રોકડની હેરાફેરીના ગુનામાં 3 શખ્સોની ધરપકડ

- 4 દિવસ પહેલા સાયબર ફ્રોડના 2 ગુના નોંધાયા હતા
- બીજા રાજ્યોમાંથી સાયબર ફ્રોડના રૂપિયા અન્ય વ્યક્તિના બેંક ખાતામાં જમા કરાવી ગુનો આચર્યો હતો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા સિટી તેમજ તાલુકા પોલીસ મથક ખાતે ચાર દિવસ પહેલા સાયબર ફ્રોડના અલગ અલગ બે ગુના નોંધાયા હતા. જેમાં અન્ય રાજ્યોમાંથી સાયબર ફ્રોડ દ્વારા બેંકમાં અલગ અલગ વ્યક્તિના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લાગતા વળગતા મિત્ર અને પરિચિતોને કમિશનની લાલચ આપી હતી. તેમજ તેમના બેંક ખાતામાં ફ્રોડના રૂપિયા જમા કરાવ્યા હતા. આ મામલે પોલીસે ત્રણ શખ્સોને પકડી પાડયા છે.
આ મામલે સિટી તેમજ તાલુકા પોલીસ મથક ખાતે બે અલગ અલગ ગુનામાં કુલ ચાર શખ્સો વિરુધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પ્રથમ ગુનામાં કમલેશભાઈ દલપતભાઈ પાનસુરા તથા મિલન ચંદારાણા વિરુધ અન્ય એક ગુનામાં ચિરાગ મધુસૂદનભાઈ વડોદરિયા તથા દશુભા જાલુભા ઝાલા વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.
સ્થાનિક પોલીસ મથકના પી.આઇ સહિતની ટીમ દ્વારા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા ખાસ ટીમ બનાવી હતી. જેમાં બાતમીના આધારે હાલ બંને ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સો પૈકી ત્રણ શખ્સો ચિરાગભાઈ મધુસૂદનભાઈ વડોદરિયા, દશુભા જાલુભા ઝાલા અને કમલેશભાઈ દલપતભાઈ પાનસુરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

