VIDEO: જૂનાગઢમાં ખોડિયાર મંદિરમાં ચાલતા યજ્ઞમાં આવી પહોંચ્યા 3 સિંહ, હવન પૂર્ણ થતાં જ ચાલ્યા ગયા

Junagadh Neews : વિજયાદશમીના પવિત્ર દિવસે ગુજરાતના ગિરનાર જંગલમાં એક અદભૂત અને અલૌકિક દ્રશ્ય જોવા મળ્યું છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સામાન્ય રીતે મનુષ્યો દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરે છે, પરંતુ આ દિવસે જંગલના રાજા સિંહોએ પણ જાણે માતાજીની આરાધના કરી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.

યજ્ઞ ચાલ્યો ત્યાં સુધી સિંહો સ્થિર બેઠા
DCF અક્ષય જોશીએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ વીડિયો ગિરનાર પર્વત પર પાદરીયા નજીક જંગલમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરનો છે. વિજયાદશમીના દિવસે આ મંદિરે યજ્ઞ ચાલી રહ્યો હતો. આ સમયે ત્રણ સિંહો ત્યાં આવ્યા અને યજ્ઞકુંડથી થોડાક જ અંતરે શાંતિથી બેસી ગયા. સિંહો જ્યાં સુધી યજ્ઞ ચાલતો રહ્યો ત્યાં સુધી ત્યાંથી જરાય હલ્યા નહોતા.
અધિકારીના જણાવ્યા મુજબ, સિંહો ખરેખર યજ્ઞકુંડની નજીકથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ જ્યારે તેઓએ મંત્રોચ્ચાર સાંભળ્યા, ત્યારે તેઓ ત્યાં જ બેસી ગયા હતા.
માતાજીની શક્તિનું પ્રતીક
આ દ્રશ્ય જોઈને પણ યજ્ઞ કરી રહેલા કર્મકાંડી બ્રાહ્મણોએ કોઈ ખૌફ રાખ્યા વગર પોતાનો યજ્ઞ શાંતિપૂર્વક પૂર્ણ કર્યો હતો. યજ્ઞ પૂર્ણ થતાં જ સિંહો આપોઆપ ઊભા થયા અને શાંતિપૂર્વક જંગલ તરફ ચાલ્યા ગયા હતા.
આ પણ વાંચો: ગુજરાત પર 'શક્તિ' વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
આ ઘટના અંગે શ્રદ્ધાળુઓ અને વન અધિકારીઓ માને છે કે આ માતાજીની જ કોઈ અલૌકિક શક્તિ છે, જેના કારણે જંગલના રાજા સિંહોને પણ માતાજીની આરાધના કરવાની અને યજ્ઞમાં હાજરી આપવાની ઈચ્છા થઈ. આ પવિત્ર અને આશ્ચર્યજનક ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

