ભાજપ પ્રમુખ થવા રાજકોટમાં ૨૯, અમરેલીમાં અધધ ૪૮ની દાવેદારી
સૌરાષ્ટ્ર ભાજપમાં પદ માટે પડાપડી,આંતરિક રાજકારણ ધમધમ્યું
જામનગર શહેરમાં૧૩,
જિલ્લામાં ૨૧, દ્વારકા
જિ.માં ૧૯એ ફોર્મ ભર્યા, પોરબંદરમાં
આજે ફોર્મ સ્વીકારાશેઃ તા.૯ આસપાસ નવા પ્રમુખો જાહેર થશે
રાજકોટ : સૌરાષ્ટ્રમાં આજે જિલ્લા અને શહેર ભાજપના પ્રમુખ થવા માટે ઈચ્છુકો પાસેથી તેમની સામે ચારિત્ર્ય કે આર્થિક ગુના ન નોંધાયા હોય, કુટુંબમાં કોઈ હોદ્દેદાર ન હોય તેવા ઉંમર કે અભ્યાસના બાધ વગર ભાજપે નિમેલા ચૂંટણી અધિકારી,નિરીક્ષકની હાજરીમાં નેતાઓ પાસેથી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં રાજકોટમાં ૨૯ અને અમરેલીમાં સૌથી વધુ ૪૮ નેતાઓએ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે. નવા પ્રમુખની જાહેરાત તા.૧૦ સુધીમાં થવાની શક્યતા છે.
રાજકોટમાં કેટલાકે ફોર્મ ભર્યા તો કેટલાક પડદાપાછળના નેતાઓ
કે જેઓ શહેર પર અંકુશ જાળવવા માંગે છે તેમણે ફોર્મ ભરાવ્યાની ચર્ચા છે. વર્તમાન
પ્રમુખ મુકેશ દોશીને માત્ર ૨૦ મહિનાનો સમય થયો હોય અને તેમાં વડાપ્રધાનની બે સભાઓ,લોકસભા ચૂંટણી
પરિણામ સહિતની કામગીરીને ધ્યાને લઈને તેમને રિપીટ કરાય તેવી શક્યતા વચ્ચે તેમણે પણ
ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત વિવાદમાં નહીં પડનારા પૂર્વ મેયર ડો.જયમન ઉપાધ્યાય, દેવાંગ માંકડ, દિનેશ કારિયા
સહિત આગેવાનોએ પણ ફોર્મ ભર્યા છે. વિજય કોરાટ પ્રદેશ ભાજપમાં પદ ધરાવતા હોવા છતાં
ફોર્મ ભરતા તે પરત કરાયું છે. જુની પેઢીના માવજીભાઈ ડોડીયાથી માંડીને પૂર્વ મેયર
રક્ષાબેન બોળિયા સહિત નેતાઓએ પણ રસ દાખવ્યો છે.
અમરેલી ભાજપમાં હાલ લેટર કાંડના મુદ્દે આંતરિક ધમાસાણ ચાલી
રહ્યું છે ત્યારે જિલ્લા પ્રમુખ થવા માટે
અધધ ૪૮ નેતાઓએ દાવેદારી નોંધાવી હતી. લોકસભાની ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં જુથવાદ
સતત ચર્ચામાં રહ્યો છે ત્યારે અહીં પસંદગી પડકારરૃપ બનવાની શક્યતા છે.
દેવભુમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ પદ માટે ૧૯ નેતાઓએ ફોર્મ
રજૂ કર્યા છે જેમાં એક મહિલા પણ સમાવિષ્ટ છે.
જામનગર શહેર માટે ૧૩ અને જિલ્લા પ્રમુખ માટે ૨૧ નેતાઓએ
દાવેદારી નોંધાવી છે.
પોરબંદરમાં જિલ્લા ભાજપ પ્રમુખની નિમણુક માટે આવતીકાલ
રવિવારે સવારે ૧૦થી ૧ દરમિયાન જિલ્લાકાર્યાલય ખાતે પ્રક્રિયા હાથ ધરાશે.
એકંદરે સૌરાષ્ટ્રમાં ધારાસભાની ટિકીટ હોય તેમ પ્રમુખ પદ
માટે નેતાઓની કતારો લાગી છે.આ વખતે મહિલા અગ્રણીઓએ પણ ઉમેદવારી નોંધાવી છે.